સાણંદમાં કેઇન્સ ટેકનોલોજીના સેમિકન્ડક્ટર પ્લાન્ટના લોકાર્પણ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ સેક્ટરના ભવિષ્ય અંગે મોટું નિવેદન આપ્યું છે. પીએમ મોદીએ ઉદ્યોગ જગતના અંદાજો (Industry Estimates) ટાંકીને જણાવ્યું હતું કે, ભારતનું સેમિકન્ડક્ટર માર્કેટ જે અત્યારે અંદાજે 4.50 લાખ કરોડનું છે, તે આ દાયકાના અંત સુધીમાં (2030 સુધીમાં) વધીને 100 બિલિયન ડોલર એટલે કે અંદાજે 9 લાખ કરોડ રૂપિયાને પાર કરી જશે.

વિશાળ સંભાવનાઓનું ક્ષેત્ર

વડાપ્રધાને ભાર મૂકતા કહ્યું કે, આ આંકડાઓ દર્શાવે છે કે ભારતમાં આ સેક્ટરમાં કેટલી વિશાળ સંભાવનાઓ રહેલી છે. ભારત માત્ર એક મોટું કન્ઝ્યુમર માર્કેટ જ નથી, પણ હવે એક મોટું મેન્યુફેક્ચરિંગ હબ પણ બની રહ્યું છે. તેમણે ઉમેર્યું કે, આપણો મુખ્ય ટાર્ગેટ દેશને જે પણ ઇલેક્ટ્રોનિક ઉપકરણો માટે ચિપ્સની જરૂર પડે, તે તમામ ચિપ્સનું ઉત્પાદન 'મેડ ઇન ઇન્ડિયા' હેઠળ ભારતમાં જ થાય તે સુનિશ્ચિત કરવાનો છે.

વૈશ્વિક પાવરહાઉસ બનવાની દિશામાં

પીએમ મોદીએ જણાવ્યું કે સેમિકન્ડક્ટર એ માત્ર એક ઉદ્યોગ નથી, પરંતુ તે દેશની સુરક્ષા અને આધુનિકતાનો પાયો છે. સાણંદ અને ધોલેરામાં જે રીતે ઇકો-સિસ્ટમ તૈયાર થઈ રહી છે, તે જોતા ભારત ખૂબ જ ટૂંકા સમયમાં વિશ્વને સેમિકન્ડક્ટર સપ્લાય કરનારો અગ્રણી દેશ બની જશે. આનાથી લાખો યુવાનો માટે નવી રોજગારીની તકો અને સ્ટાર્ટઅપ્સ માટે નવા દ્વાર ખુલશે.

આ પણ વાંચો: Aravalli: હજીરા વિસ્તારમાં ગેરેજ બહાર પાર્ક કરેલી 3 ઇકો વાન સહિત 5 વાહનો આગમાં ભસ્મીભૂત