અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ઈન્ડિગો એરલાઈન્સની ફ્લાઇટ સેવાઓની સમસ્યા છેલ્લા એક સપ્તાહથી યથાવત રહેતા હજારો મુસાફરો મુશ્કેલીમાં મુકાયા છે. સ્ટાફની અછત અને ઓપરેશનલ મુદ્દાઓને કારણે આજે પણ અમદાવાદ આવતી-જતી કુલ 16 ફ્લાઇટ રદ કરવામાં આવી છે, જેના કારણે પ્રવાસીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ફ્લાઇટના અચાનક રદ્દીકરણ અને વિલંબના કારણે એરપોર્ટ પર પેસેન્જરોની લાંબી કતારો અને હોબાળાના દ્રશ્યો સર્જાયા છે.
એરપોર્ટ પર કટોકટી
લગ્નસરા અને વેકેશનના આ સમયગાળામાં ફ્લાઇટ કેન્સલ થવાથી મુસાફરોને છેલ્લી ઘડીએ મોંઘી ટિકિટો ખરીદવાની ફરજ પડી રહી છે અથવા તો તેમની મુસાફરી રદ કરવી પડી છે. સ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં લઈને એરપોર્ટ ઓથોરિટીએ મુસાફરોને અગવડ ન પડે તે માટે એક એડવાઇઝરી જાહેર કરી છે, જેમાં યાત્રીઓને એરપોર્ટ આવતા પહેલા તેમની ફ્લાઇટનું સ્ટેટસ એરલાઇન પાસેથી જાણી લેવા વિનંતી કરવામાં આવી છે. આ સંકટ મુદ્દે ઈન્ડિગો એરલાઇન્સ દ્વારા કોઈ સ્પષ્ટ ખુલાસો આપવામાં આવ્યો નથી. જો આ સમસ્યાનો તત્કાળ ઉકેલ નહીં આવે તો મુસાફરોનો રોષ વધુ વકરવાની સંભાવના છે, અને એરલાઇન્સની વિશ્વસનીયતા પર ગંભીર સવાલો ઊભા થઈ શકે છે.













