ગુજરાતની મેડિસિટી અને સિવિલ હોસ્પિટલ હવે માત્ર રાજ્ય જ નહીં પરંતુ વૈશ્વિક સ્તરે મેડિકલ શિક્ષણ અને જટિલ સર્જરીનું કેન્દ્ર બની રહી છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલના પીડિયાટ્રિક સર્જરી વિભાગ દ્વારા 18મા આંતરરાષ્ટ્રીય બ્લેડર એક્સટ્રોફી વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે. 23 જાન્યુઆરી સુધી ચાલનારા આ વર્કશોપમાં વિશ્વભરના તબીબો જટિલ સર્જરીની તાલીમ લેશે.


વૈશ્વિક સ્તરે 'સેન્ટર ઓફ એક્સેલન્સ'ની ઓળખ

સિવિલ હોસ્પિટલનું 'સેન્ટર ઓફ એક્સેલન્સ' છેલ્લા 18 વર્ષથી બાળકોને નવજીવન આપવાની સાથે વિશ્વભરના ડોક્ટરો માટે તાલીમનું શ્રેષ્ઠ પ્લેટફોર્મ બની રહ્યું છે. આ વર્કશોપની મુખ્ય વિશેષતાઓ નીચે મુજબ છે. અમેરિકા, યુરોપ અને એશિયાના વિવિધ 14 દેશોના નિષ્ણાત તબીબો અહીં બ્લેડર એક્સટ્રોફીના જટિલ ઓપરેશન શીખવા માટે પધાર્યા છે.ભારતના 15રાજ્યો અને પડોશી દેશ નેપાળના મળીને કુલ 125 દર્દીઓને આ વર્કશોપ અંતર્ગત નિઃશુલ્ક અને અત્યાધુનિક સારવારનો લાભ મળશે.આ વર્કશોપ દરમિયાન 20 જેટલી અત્યંત જટિલ સર્જરીઓ કરવામાં આવશે, જે મેડિકલ ક્ષેત્રે એક મોટો માઈલસ્ટોન સાબિત થશે.

શું છે બ્લેડર એક્સટ્રોફી?

બ્લેડર એક્સટ્રોફી એ જન્મજાત ખામી છે જેમાં બાળકની પેશાબની કોથળી (Bladder) શરીરની બહાર ખુલ્લી હોય છે. આ અત્યંત જટિલ પરિસ્થિતિમાં સર્જરી દ્વારા પેશાબની કોથળીને અંદર મૂકીને પેશાબ પર નિયંત્રણ લાવવાની પ્રક્રિયા કરવામાં આવે છે.

તબીબી નિષ્ણાતનું મંતવ્ય

સિવિલ હોસ્પિટલના પીડિયાટ્રિક સર્જરી વિભાગના વડા ડૉ. રાકેશ જોશીએ જણાવ્યું હતું કે, "અમે છેલ્લા ૧૮ વર્ષથી આ સેન્ટર ઓફ એક્સેલન્સ દ્વારા બાળકોને નવજીવન આપવા સાથે વિશ્વના ડોક્ટરોને જટિલ સર્જરીની શ્રેષ્ઠ તાલીમ આપી રહ્યા છીએ. આ વર્કશોપથી ગુજરાતની મેડિકલ ક્ષમતાની નોંધ આખા વિશ્વમાં લેવાઈ રહી છે.


આ પણ વાંચો: વાંકાનેરમાં માતાની હત્યા અને પુત્રી પર હુમલો કરનાર આરોપીને આજીવન કેદ


  • Follow us on: