મોરબી: મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના વાલાસણ ગામમાં આશરે સાડા પાંચ વર્ષ પૂર્વે બનેલી સનસનાટીભરી હત્યાની ઘટનામાં અદાલતે મહત્વનો ચુકાદો આપ્યો છે. પોતાની માતાની નજર સામે જ હત્યા કરનાર અને પુત્રીને ઇજાગ્રસ્ત કરનાર પાપી આરોપી વિક્રમ ફુલતરીયાને મોરબી કોર્ટે આજીવન કેદની સજા અને રૂ. 26000નો દંડ ફટકાર્યો છે.


હત્યાની ઘટનામાં અદાલતે મહત્વનો ચુકાદો આપ્યો 

આ લોહીયાળ ઘટના 23 ઓગસ્ટ 2020ના રોજ વાંકાનેરના વાલાસણ ગામે બની હતી. આરોપી વિક્રમ ફુલતરીયાએ જૂની અદાવત અથવા અન્ય કોઈ કારણોસર કંચનબેન રમણીકભાઈ અને તેમની પુત્રી પૂજા પર છરી વડે ઘાતક હુમલો કર્યો હતો. આ હુમલામાં કંચનબેનને ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે તેમની પુત્રી પૂજા પણ હુમલામાં ઈજાગ્રસ્ત થઈ હતી.

પુત્રીની હિંમત અને કાયદાકીય લડત

પોતાની માતાની હત્યા નજરે જોનાર પુત્રી પૂજાએ આ મામલે હિંમત દાખવી વાંકાનેર પોલીસ મથકમાં આરોપી વિક્રમ સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે કલમ ૩૦૨ (હત્યા) હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી હતી અને મજબૂત પુરાવાઓ સાથે ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરી હતી.

કોર્ટનો ચુકાદો

મોરબીની સેશન્સ કોર્ટમાં આ કેસ ચાલી જતાં સરકારી વકીલની દલીલો અને સાક્ષીઓની જુબાની તેમજ મેડિકલ પુરાવાઓને આધારે કોર્ટે આરોપીને તકસીરવાન ઠેરવ્યો હતો.આરોપી વિક્રમ ફુલતરીયાને અંતિમ શ્વાસ સુધી આજીવન કેદ. કોર્ટે આરોપીને રૂ. ૨૬,૦૦૦નો આર્થિક દંડ પણ ફટકાર્યો છે. જો દંડ ન ભરે તો વધુ સજાની જોગવાઈ કરવામાં આવી છે.

આ પણ વાંચો: One Day One District" અંતર્ગત DGP ડૉ. કે.એલ.એન.રાવ દ્વારા દાહોદ જિલ્લાની કાયદો-વ્યવસ્થાની સમીક્ષા

  • Follow us on: