અમદાવાદના ઈતિહાસના સૌથી ભયાનક અને ચકચારી એવા ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસને લઈને એક બહુ મોટું અપડેટ સામે આવ્યું છે. મોડી રાત્રે ઓવરસ્પીડમાં વૈભવી જેગુઆર કાર દોડાવીને 9 નિર્દોષ લોકો કચડી નાખનાર મુખ્ય આરોપી તથ્ય પટેલ આખરે જેલની બહાર આવી ગયો છે. સાબરમતી મધ્યસ્થ જેલ ખાતેથી તેની મુક્તિ માટેની તમામ કાનૂની અને વહીવટી પ્રક્રિયાઓ પૂર્ણ કરી લેવામાં આવી છે.


તમામ પ્રક્રિયાઓ પૂર્ણ કરી જેલ બહાર લવાયો

અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલમાં બંધ તથ્ય પટેલની મુક્તિ માટેના જરૂરી કાગળો અને જામીનની પ્રક્રિયા કોર્ટમાંથી મંજૂર થયા બાદ જેલ પ્રશાસનને સોંપવામાં આવ્યા હતા. મધ્યસ્થ જેલના સત્તાધીશો દ્વારા કાગળોની ચકાસણી સહિતની તમામ જેલ મેન્યુઅલ પ્રક્રિયાઓ પૂર્ણ કરવામાં આવી હતી. આ તમામ કાનૂની વિધિઓ આટોપી લીધા બાદ તથ્ય પટેલને સત્તાવાર રીતે જેલની બહાર લાવવામાં આવ્યો છે.

9 લોકોનો ભોગ લેનાર કેસનો મુખ્ય આરોપી

ઉલ્લેખનીય છે કે, અમદાવાદના એસ.જી. હાઇવે પર આવેલા ઇસ્કોન બ્રિજ પર બનેલા એક અકસ્માતને જોવા માટે એકત્રિત થયેલા ટોળા પર તથ્ય પટેલે અતિશય પૂરપાટ ઝડપે પોતાની વૈભવી કાર ચડાવી દીધી હતી. આ કમકમાટીભર્યા અકસ્માતમાં ઓન-ડ્યુટી પોલીસકર્મીઓ સહિત કુલ 9 નિર્દોષ લોકોના કરૂણ મોત નીપજ્યા હતા, જ્યારે અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.

સમગ્ર મામલો ચર્ચાના કેન્દ્રમાં આવ્યો

આ ઘટનાને પગલે સમગ્ર ગુજરાતમાં ભારે જનઆક્રોશ ફાટી નીકળ્યો હતો અને પોલીસે તથ્ય પટેલ વિરૂદ્ધ કડક કલમો હેઠળ ગુનો નોંધી તેને જેલભેગો કર્યો હતો. લાંબા સમય સુધી જેલના સળિયા પાછળ રહ્યા બાદ હવે આ કેસનો મુખ્ય સૂત્રધાર જેલની બહાર આવતા ફરી એકવાર આ સમગ્ર મામલો ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે.


આ પણ વાંચો - Ahmedabad News: એક લાખના મેફેડ્રોન ડ્રગ્સ સાથે યુવક-યુવતી ઝડપાયા, સપ્લાયર ફરાર


  • Follow us on: