અમદાવાદ શહેરના સોલા વિસ્તારમાં ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં પ્રદૂષિત પાણીના કારણે સ્થાનિકોમાં ગંભીર રોગચાળો ફાટી નીકળ્યો છે. સોલા રોડ પર આવેલા ‘આકાંક્ષા ફ્લેટ’માં માત્ર બે જ દિવસની અંદર ઝાડા-ઊલટીના સેંકડો કેસો નોંધાતા સમગ્ર વિસ્તારમાં ભારે ફફડાટ અને ભયનો માહોલ વ્યાપી ગયો છે. સ્થાનિક રહીશોના જણાવ્યા અનુસાર, સોસાયટીમાં પીવાની પાણીની લાઈન અને ગટરની લાઈન એકબીજા સાથે મિક્સ થઈ જવાના કારણે આ ગંભીર પરિસ્થિતિનું નિર્માણ થયું છે.


350થી વધુ મકાનો આવેલા છે

આકાંક્ષા એપાર્ટમેન્ટમાં આશરે 350થી વધુ મકાનો આવેલા છે, જેમાં હજારો લોકો વસવાટ કરે છે. નળમાં આવી રહેલા પ્રદૂષિત અને ગંદા પાણીનો વપરાશ કરવાના કારણે સોસાયટીના અબાલ-વૃદ્ધ સૌ કોઈ રોગચાળાની ઝપેટમાં આવી ગયા છે. માત્ર 48 કલાકના ટૂંકા ગાળામાં જ સોસાયટીમાં અંદાજે 400 થી 500 જેટલા લોકોને ઝાડા-ઊલટીની સીધી અસર થઈ છે. એકસાથે આટલી મોટી સંખ્યામાં લોકો બીમાર પડતાં સ્થાનિક ખાનગી હોસ્પિટલો અને ક્લિનિક્સ ઉભરાઈ ગયા છે.

AMCની આરોગ્ય ટીમ ઘટનાસ્થળે, પાણીના સેમ્પલ લેવાયા

ઘટનાની ગંભીરતાને પગલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)નું તંત્ર તાત્કાલિક એક્શન મોડમાં આવ્યું છે. એએમસીની આરોગ્ય વિભાગની એક વિશેષ ટીમ દવાઓ અને ઓઆરએસ (ORS)ના પેકેટ સાથે આકાંક્ષા ફ્લેટ ખાતે દોડી ગઈ છે. સોસાયટીમાં જ એક હંગામી મેડિકલ કેમ્પ શરૂ કરીને અસરગ્રસ્ત લોકોને સ્થળ પર જ સારવાર આપવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.

 યુદ્ધના ધોરણે કામગીરી

આ સાથે જ એન્જિનિયરિંગ વિભાગની ટીમ દ્વારા પાણીની લાઈનમાં થયેલા લીકેજને શોધવા અને તેને તાકીદે રિપેર કરવા માટે યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી છે. આરોગ્ય વિભાગે સોસાયટીમાં સપ્લાય થતા પાણીના સેમ્પલ લઈને તપાસ અર્થે લેબોરેટરીમાં મોકલી આપ્યા છે અને નાગરિકોને પાણી ઉકાળીને પીવાની કડક સલાહ આપી છે.


આ પણ વાંચો----    Gujarat Latest News LIVE : બાંગ્લાદેશી પર કાર્યવાહી મુદ્દે હર્ષ સંઘવીનું નિવેદન, એક પણ ઘૂસણખોરને નહીં રહેવા દેવામાં આવે

  • Follow us on: