અમદાવાદના વટવા વિસ્તારમાં થયેલી એક હત્યાના કેસની તપાસ કરી રહેલી પોલીસના હાથમાં એક એવો ચોંકાવનારો ઘટસ્ફોટ લાગ્યો છે, જેને જોઈને ખુદ ઉચ્ચ અધિકારીઓ પણ દંગ રહી ગયા છે. વટવા મર્ડર કેસના તાર સીધા નકલી નોટો બનાવવાના મસમોટા રેકેટ સાથે જોડાયેલા હોવાનું સામે આવ્યું છે.


 મૃતક ઇમરાન સિંધા જ નકલી નોટ બનાવતો

પોલીસની ઝીણવટભરી તપાસમાં વટવા વિસ્તારમાંથી જ નકલી નોટો બનાવવાનું એક આખું કારખાનું ઝડપાઈ ગયું છે. સૌથી આશ્ચર્યજનક બાબત એ છે કે, જેની હત્યા થઈ છે તે મૃતક ઇમરાન સિંધા જ આ આખા કૌભાંડનો મુખ્ય સૂત્રધાર હતો અને તે જ આ નકલી નોટોનું કારખાનું ચલાવતો હતો.

વટવા વિસ્તારમાં એક ભાડાનું મકાન રાખ્યું

પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, મૃતક ઇમરાને વટવા વિસ્તારમાં એક ભાડાનું મકાન રાખ્યું હતું. આ મકાનમાં તેણે નકલી નોટો છાપવાનું સેટઅપ ગોઠવ્યું હતું અને હત્યાના ગુનામાં સંડોવાયેલા આરોપીઓને જ તેણે અહીં નોટો બનાવવાની કામગીરી માટે રાખ્યા હતા.

રો-મટીરિયલ કબ્જે કર્યા

આ મકાન પર દરોડા પાડીને પોલીસે હાઈટેક લેઝર પ્રિન્ટર, લેમિનેશન મશીન, નોટોમાં વપરાતો સિક્યુરીટી થ્રેડ, 'RBI' લખેલા ખાસ બટર પેપર અને નકલી નોટો બનાવવા માટેનો અન્ય રો-મટીરિયલ કબ્જે કર્યો છે.

છેલ્લા ૩ મહિનાથી ચાલતું હતું નેટવર્ક

પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે, આ ગેરકાયદેસર કારખાનું છેલ્લા ત્રણ મહિનાથી ધમધમી રહ્યું હતું અને અહીં મોટા પાયે નકલી નોટો છાપવામાં આવી રહી હતી. આ કેસમાં નવો વળાંક ત્યારે આવ્યો જ્યારે હરિયાણાથી પકડાયેલા આરોપીઓ પાસેથી પણ નકલી નોટોનો જથ્થો મળી આવ્યો હતો.  હાલમાં વટવા પોલીસે મૃતક ઇમરાન સિંધા સહિત કુલ 5 આરોપીઓ સામે ગુનો નોંધીને આ આંતરરાજ્ય નકલી નોટોના નેટવર્કને તોડવા માટે આગળની તપાસ તેજ કરી છે.


આ પણ વાંચો----   Gujarat Latest News LIVE : અમદાવાદ,રાજકોટ, સુરતમાં બાંગ્લાદેશી ઘૂસણખોરો સામે પોલીસનું મેગા સર્ચ ઓપરેશન, શંકાસ્પદો પકડાયા

  • Follow us on: