અમદાવાદમાં રિયલ એસ્ટેટ ક્ષેત્રના દિગ્ગજ ગણાતા કામેશ્વર ગ્રુપ અને દીપ બિલ્ડર્સ પર આવકવેરા વિભાગ (Income Tax) ના દરોડા આજે બીજા દિવસે પણ ચાલુ રહ્યા છે. શહેરના આશરે 33 જેટલા વિવિધ લોકેશનો પર એકસાથે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે, જેમાં બિલ્ડરોના નિવાસસ્થાન, ઓફિસ અને તેમના ભાગીદારોના સ્થળોનો સમાવેશ થાય છે. તપાસના પ્રથમ દિવસે જ મોટા પ્રમાણમાં જમીન ખરીદીને લગતા વાંધાજનક દસ્તાવેજો મળી આવ્યા છે. આ તપાસ મુખ્યત્વે મોટા પાયે કરવામાં આવેલા બેનામી વ્યવહારો અને હવાલા મારફતે કરવામાં આવેલા નાણાકીય લેણદેણના મુદ્દે કેન્દ્રિત છે.
આઇટી વિભાગની મોટી કાર્યવાહી
આઇટી વિભાગની ટીમોએ દીપ ગ્રુપના દિનેશ પટેલ અને તેમના અન્ય ભાગીદારોના સ્થળો પર તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. માત્ર માલિકો જ નહીં, પરંતુ ગ્રુપના મહત્વના કર્મચારીઓને ત્યાં પણ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. એવી આશંકા સેવાઈ રહી છે કે જમીન ખરીદીમાં મોટા પ્રમાણમાં રોકડ નાણાંનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેનો કોઈ સત્તાવાર રેકોર્ડ નથી. હાલમાં લોકર અને ડિજિટલ ડેટાની તપાસ ચાલી રહી છે, જેના અંતે કરોડો રૂપિયાની કરચોરી અને બેનામી મિલકતોના મોટા ખુલાસા થવાની પૂરેપૂરી શક્યતા છે.













