અમદાવાદ શહેરમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. શહેરના વ્યસ્ત ગણાતા જશોદાનગરથી હાથીજણ જવાના રોડ પર હજારો લીટર દેશી દારૂની રેલમછેલ જોવા મળી છે. એક બુટલેગરની ટ્રકમાંથી દારૂનો જથ્થો માર્ગ પર ઢોળાતા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે ગંભીર સવાલો ઉભા થયા છે.
અમદાવાદમાં દારૂબંધીના લીરેલીરા
મળતી વિગતો મુજબ, જશોદાનગર-હાથીજણ રોડ પરથી પસાર થઈ રહેલી એક શંકાસ્પદ ટ્રકમાંથી અચાનક દેશી દારૂનો જથ્થો નીચે રોડ પર ખાબક્યો હતો. ટ્રાફિક અને સામાન્ય નાગરિકોની અવરજવર વચ્ચે રોડ પર દારૂની નદીઓ વહેવા લાગી હતી અને દારૂની પોટલીઓ રસ્તા પર પથરાઈ ગઈ હતી. આ દ્રશ્યો જોઈને સ્થાનિક વાહનચાલકો અને રાહદારીઓ પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા.
