દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખનીજ માફિયાઓ વિરુદ્ધ પોલીસે લાલ આંખ કરી છે. કલ્યાણપુર તાલુકાના કેનેડી ગામમાં લાંબા સમયથી ચાલી રહેલા ગેરકાયદેસર બોક્સાઇટના નેટવર્કનો લોકલ ક્રાઈમ બ્રાંચે (LCB) પર્દાફાશ કર્યો છે. આ ઓપરેશન દરમિયાન અંદાજે 141 ટન જેટલો ગેરકાયદેસર બોક્સાઇટનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.

ગેરકાયદેસર બોક્સાઇટના નેટવર્કનો પર્દાફાશ 

દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા (SP) જયરાજસિંહ વાળાની કડક સૂચના બાદ પોલીસ અને ખાણ-ખનીજ વિભાગે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું. તપાસમાં બહાર આવ્યું હતું કે, ઈન્ડિયા ઇન્ડસ્ટ્રીઝમાંથી ગેરકાયદેસર રીતે બોક્સાઇટ ભરીને લક્ષ્મી મિનરલ્સમાં ઠાલવવામાં આવી રહ્યો હતો. પોલીસે સ્થળ પરથી ૧૦૫ ટન સંગ્રહિત કરેલો બોક્સાઇટ અને ૩૬ ટન બોક્સાઇટ ભરેલો ટ્રક મળી કુલ 141 ટન જથ્થો ઝડપી પાડ્યો છે.

ધરપકડ અને મુદ્દામાલ

આ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સંડોવાયેલા આરોપી ભીખુભાઈ કરશનભાઈ જાડેજાની પોલીસે ટ્રક સાથે અટકાયત કરી છે. લાખોની કિંમતનો આ ખનીજ ચોરીનો જથ્થો પકડાતા ખનીજ માફિયાઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.

આ પણ વાંચો: Ahmedabad: એડમિશન સિઝન પૂર્વે જનસેવા કેન્દ્રો પર હાડમારી, જાતિ-આવકના દાખલા માટે વહેલી સવારથી લાઈનો