અમદાવાદ શહેરમાં નાગરિકોના આરોગ્ય સાથે ચેડાં કરતા ભેળસેળિયા તત્વો સામે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય અને ફૂડ વિભાગે લાલ આંખ કરી છે. શુદ્ધ ઘીના નામે નકલી અને શંકાસ્પદ ઘી વેચતા તત્વોને ઝડપી પાડવા માટે ફૂડ વિભાગે કઠવાડા વિસ્તારમાં આવેલી એક ફેક્ટરી પર અચાનક રેડ કરીને મોટી કાર્યવાહી હાથ ધરી છે.


452 લીટર શંકાસ્પદ ઘી જપ્ત

ઘટનાની મળતી માહિતી અનુસાર, કઠવાડાની આ ફેક્ટરીમાં મોટા પાયે શંકાસ્પદ ઘીનું ઉત્પાદન અને પેકિંગ થતું હોવાની ચોક્કસ બાતમી આરોગ્ય વિભાગને મળી હતી. જેના આધારે અધિકારીઓએ ઘટના સ્થળે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ રેડ દરમિયાન ફેક્ટરીમાંથી કુલ 452 લીટર શંકાસ્પદ ઘીનો જથ્થો મળી આવ્યો હતો, જેને ફૂડ વિભાગે તાત્કાલિક અસરથી જપ્ત કરી લીધો છે.

લાખોનો મુદ્દામાલ અને વગર લાયસન્સનું કૌભાંડ

પોલીસ અને ફૂડ વિભાગની સંયુક્ત તપાસમાં જાણવા મળ્યું છે કે, આ ફેક્ટરી કોઈપણ પ્રકારના કાયદેસરના ફૂડ લાયસન્સ વગર જ ધમધમી રહી હતી. તંત્ર દ્વારા સ્થળ પરથી આશરે રૂ. 2.85 લાખની કિંમતનો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો છે. લાયસન્સ વગર ગેરકાયદેસર રીતે લોકોના આરોગ્યને જોખમમાં મૂકીને આ ઘી બજારમાં સપ્લાય કરવાનું મોટું કૌભાંડ આ દરોડાથી ખુલ્લું પડ્યું છે.

ફેક્ટરી સીલ કરી સેમ્પલ લેબમાં મોકલાયા

આરોગ્ય વિભાગે કાયદેસરની કાર્યવાહીના ભાગરૂપે કઠવાડાની આ આખી ફેક્ટરીને સ્થળ પર જ સીલ કરી દીધી છે. આ સાથે જ જપ્ત કરાયેલા શંકાસ્પદ ઘીના અલગ-અલગ નમૂનાઓ (સેમ્પલ) લઈને તેને ગુણવત્તાની ચકાસણી માટે સરકારી લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે. લેબ ટેસ્ટનો રિપોર્ટ આવ્યા બાદ આ મામલે ફેક્ટરીના માલિકો વિરૂદ્ધ કડક કાયદેસરના પગલાં ભરવામાં આવશે તેમ અધિકારીઓએ જણાવ્યું છે.


આ પણ વાંચો - Ahmedabad News: સ્પોર્ટ્સ ક્લબમાં બોમ્બની ધમકીનો ભેદ ઉકેલાયો, સુરતના વેપારીના પુત્રએ ધુરંધર ફિલ્મ જોઈને ખેલ કર્યો


  • Follow us on: