શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી હોય તેમ લાગી રહ્યું છે. અમદાવાદના ખોખરા વિસ્તારમાં ચેઈન સ્નેચરોએ એક એવી ઘટનાને અંજામ આપ્યો છે જેનાથી રહેવાસીઓમાં ફફડાટ ફેલાયો છે. સ્નેચરોએ રસ્તા પર નહીં, પરંતુ એક મહિલાનો પીછો કરી તેમના ઘરમાં ઘુસીને સોનાની ચેઈનની લૂંટ ચલાવી છે.


રેકી કરીને પૂર્વયોજિત લૂંટ

મળતી માહિતી મુજબ, મણિનગર ગોરના કુવા પાસે આવેલા જીવણ એપાર્ટમેન્ટમાં આ ચોંકાવનારો બનાવ બન્યો છે. સ્વાતીબેન દરજી નામની મહિલા બજારમાંથી ખરીદી કરીને પરત ફરી રહી હતી, ત્યારે અજાણ્યા શખ્સોએ તેમની રેકી (પીછો) કરી હતી. સ્વાતીબેન જેવા તેમના ફ્લેટમાં પ્રવેશ્યા, તેની ગણતરીની સેકન્ડોમાં જ એક તસ્કર પાછળથી આવ્યો હતો અને ખેંચતાણ કરી તેમના ગળામાંથી ચેઈન તોડી લીધી હતી.

ધોળે દિવસે લૂંટ કરી પલાયન

આ ઘટના સવારે અંદાજે 11 વાગ્યાની આસપાસ બની હતી. આરોપીએ ચેઈન તોડ્યા બાદ નીચે ઉભેલા તેના બાઈક સવાર સાગરીત સાથે બેસીને પૂરઝડપે ફરાર થઈ ગયો હતો. ધોળે દિવસે અને રહેણાંક એપાર્ટમેન્ટમાં ઘુસીને આ પ્રકારે લૂંટ થતા પોલીસની પેટ્રોલિંગ વ્યવસ્થા પર ગંભીર સવાલો ઉઠી રહ્યા છે.

પોલીસ કાર્યવાહી

ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે એપાર્ટમેન્ટ અને આસપાસના રસ્તાઓના સીસીટીવી (CCTV) ફૂટેજ મેળવ્યા છે. ફૂટેજમાં આરોપીઓ કેમેરામાં કેદ થયા હોવાનું જાણવા મળ્યું છે, જેના આધારે પોલીસે અલગ-અલગ ટીમો બનાવીને તસ્કરોને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

આ પણ વાંચો: જિલ્લા પંચાયતની કારોબારીમાં વિકાસકામોનો ધમધમાટ, 30.55 કરોડના ખર્ચે 51 કામોને લીલી ઝંડી

  • Follow us on: