અમદાવાદમાં ઉત્તરાયણના પર્વની ઉજવણી વચ્ચે પક્ષીઓ માટે જીવલેણ પરિસ્થિતિ સર્જાઈ છે. પતંગની કાચ પાયેલી ઘાતક દોરીના કારણે આકાશમાં ઉડતા સેંકડો અબોલ પક્ષીઓ ઘાયલ થયા છે. ગઈકાલે માત્ર એક જ દિવસમાં 400થી વધુ પક્ષીઓને ઇમરજન્સી સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ખાસ કરીને કબૂતર, સમળી અને દુર્લભ ગણાતા ઘુવડ જેવા પક્ષીઓ આ પતંગ યુદ્ધનો ભોગ બન્યા છે. પતંગની દોરી એટલી તીક્ષ્ણ હોય છે કે પક્ષીઓની પાંખો ગંભીર રીતે કપાઈ જાય છે, જેના કારણે ઘણા પક્ષીઓ હંમેશા માટે ઉડવાની શક્તિ ગુમાવી દે છે.
પતંગની મજા બની પક્ષીઓની સજા
આ ગંભીર પરિસ્થિતિને પહોંચી વળવા માટે અમદાવાદની જીવદયા ચેરીટેબલ ટ્રસ્ટ જેવી સંસ્થાઓ યુદ્ધના ધોરણે કામ કરી રહી છે. પક્ષીઓને ત્વરિત અને શ્રેષ્ઠ સારવાર મળી રહે તે માટે સંસ્થા દ્વારા 22 જેટલા આધુનિક ઓપરેશન થિયેટર કાર્યરત કરવામાં આવ્યા છે. નિષ્ણાત તબીબો અને સ્વયંસેવકોની ટીમ દિવસ-રાત જોયા વગર આ અબોલ જીવોના ઓપરેશન અને પાટાપિંડી કરી રહી છે. લોકોએ પણ પક્ષીઓની સુરક્ષા માટે વહેલી સવારે અને સાંજના સમયે પતંગ ન ચગાવવા અપીલ કરવામાં આવી છે જેથી આ આફતને ઓછી કરી શકાય.
