મેગા સિટી અમદાવાદમાં જમીનોના વધી રહેલા ભાવો વચ્ચે કરોડોની કિંમતી જમીનો હડપ કરવાના કિસ્સાઓ સતત સામે આવી રહ્યા છે. આ દરમિયાન અમદાવાદમાં થોડા સમય પહેલા બનેલા એક હાઈપ્રોફાઈલ જમીન વિવાદ અને ફાયરિંગના કેસમાં પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. કાયદાના રક્ષક રહી ચૂકેલા નિવૃત્ત DySP અશોક ચૌહાણ દ્વારા જમીન પચાવી પાડવા માટે કરવામાં આવેલા ફાયરિંગના મામલે હવે નવા ખુલાસા થયા છે.
પોતાની ન હોવા છતાં જમીન પર જમાવ્યો હતો રૌફ
પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, જે જમીનને લઈને આખો વિવાદ સર્જાયો હતો તે જમીન કાયદેસર રીતે નિવૃત્ત DySP અશોક ચૌહાણની માલિકીની ન હતી. આમ છતાં, તેમણે પૂર્વ આયોજિત કાવતરાના ભાગરૂપે જમીન પર પોતાનો હક દર્શાવ્યો હતો. એટલું જ નહીં, જે-તે સમયે વિવાદિત સ્થળ પર જઈને હથિયારમાંથી ફાયરિંગ કરીને સામે પક્ષ પર પોતાનો રૌફ જમાવવાનો અને ડરાવવાનો પ્રયાસ કર્યો હતો.
વર્ષ 2016ના IT રિટર્ન સાથે કનેક્શન
ચોંકાવનારી બાબત એ છે કે, આ વિવાદિત જમીનને પોતાની સાબિત કરવા માટે નિવૃત્ત અધિકારીએ વર્ષ 2016ના પોતાના ઇન્કમ ટેક્સ (IT) રિટર્નમાં આ જમીન પોતાની માલિકીની હોવાનું દર્શાવ્યું હતું. પોલીસ અત્યારે આ આઈટી રિટર્નના દસ્તાવેજો અને જમીનના અસલી માલિકી હકના કાગળોની બારીકાઈથી તપાસ કરી રહી છે, જેથી છેતરપિંડી અને કાવતરાનો પર્દાફાશ થઈ શકે.
નિવૃત્ત DySPનો પુત્ર ફરાર, પોલીસ તપાસ તેજ
આ સમગ્ર ફાયરિંગ અને જમીન વિવાદના ગુનામાં નિવૃત્ત DySP અશોક ચૌહાણ સિવાય અન્ય લોકોની સંડોવણી પણ સામે આવી છે. આ કેસમાં પોલીસે વધુ એક ફરાર આરોપીની શોધખોળ હાથ ધરી છે, જે બીજું કોઈ નહીં પરંતુ નિવૃત્ત DySPનો પોતાનો પુત્ર જ છે. અશોક ચૌહાણના ફરાર પુત્રને ઝડપી પાડવા માટે પોલીસે અલગ-અલગ ટીમો બનાવીને તેના સંભવિત આશ્રયસ્થાનો પર દરોડા પાડવાનું શરૂ કર્યું છે. પોલીસનું કહેવું છે કે, પુત્રની ધરપકડ બાદ આ જમીન કૌભાંડના અનેક મોટા રહસ્યો પરથી પડદો ઊંચકાશે.
આ પણ વાંચો - વાંચો 30 મેના રોજ બનનારી મહત્વની ઘટનાઓ વિશે