દેશ અને દુનિયામાં 30 મે, 2026ના રોજ અનેક મોટી રાજકીય, ભૌગોલિક અને રમતગમત જગતની હલચલ જોવા મળી છે. મ્યાનમારના રાષ્ટ્રપતિની ભારત મુલાકાતથી લઈને દેશના 17 રાજ્યોમાં હવામાન વિભાગના એલર્ટ સહિતની સૌથી મોટી અને મહત્વની ઘટનાઓ પર એક નજર:

મ્યાનમારના રાષ્ટ્રપતિની પ્રથમ ભારત મુલાકાત

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સત્તાવાર આમંત્રણ પર મ્યાનમારના રાષ્ટ્રપતિ યૂ મિન આંગ લાઈંગ 30 મે થી 3 જૂન 2026 દરમિયાન ભારતની સત્તાવાર મુલાકાતે આવી રહ્યા છે. રાષ્ટ્રપતિ બન્યા બાદ વર્તમાન પદ પર તેમની આ પ્રથમ ભારત મુલાકાત હશે, જે બંને દેશોના રાજદ્વારી સંબંધો માટે ખૂબ મહત્વની માનવામાં આવે છે.

લખનઉમાં 'નૌસેના શૌર્ય વાટિકા'નું લોકાર્પણ

કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ શનિવારે (30 મે) તેમના સંસદીય ક્ષેત્ર લખનઉની મુલાકાતે રહેશે. તેઓ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની પ્રેરક ઉપસ્થિતિમાં 'નૌસેના શૌર્ય વાટિકા' અને નૌસેના સંગ્રહાલયનું ભવ્ય લોકાર્પણ કરશે.

કર્ણાટકના રાજકારણમાં મોટો ઉલટફેર: ડી.કે. શિવકુમાર બનશે નવા CM

કર્ણાટકના મુખ્યમંત્રી પદેથી સિદ્ધારમૈયાના રાજીનામા બાદ શનિવારે સાંજે 4 વાગ્યે બેંગલુરુના વિધાનસૌધા ખાતે કોંગ્રેસ વિધાનસભ્ય પક્ષની મહત્વની બેઠક બોલાવવામાં આવી છે. આ બેઠકમાં ડી.કે. શિવકુમારને કર્ણાટકના નવા મુખ્યમંત્રી બનાવવાની સત્તાવાર તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવશે.

વિનેશ ફોગાટને સુપ્રીમ કોર્ટની મોટી રાહત

સુપ્રીમ કોર્ટે ભારતીય મહિલા રેસલર વિનેશ ફોગાટને એશિયાઈ રમતોત્સવ 2026ના સિલેક્શન ટ્રાયલ્સમાં ભાગ લેવાની મંજૂરી આપી દીધી છે. સુપ્રીમ કોર્ટે પ્રશંસા કરતા સ્પષ્ટ કહ્યું કે, જો બીજું કોઈ હોત તો બાબત અલગ હોત, પરંતુ તમે દેશનું ગૌરવ વધાર્યું છે, તેથી તમને ટ્રાયલ્સમાં ભાગ લેવાની મંજૂરી આપવામાં આવે છે. એશિયાઈ રમતોત્સવ 2026ના સિલેક્શન ટ્રાયલ્સ 30 મેથી શરૂ થાય છે.

શિલોન્ગમાં 39મી નેશનલ ગેમ્સની સમીક્ષા

કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયા 30 મેના રોજ મેઘાલયના શિલોન્ગ ખાતે પહોંચશે. તેઓ ત્યાં આયોજિત થનારી 39મી રાષ્ટ્રીય રમતોત્સવ 2026 (39th National Games) ની તૈયારીઓની સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરશે અને એક વિશાળ ઇન્ટિગ્રેટેડ મલ્ટીપર્પઝ ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું ઉદ્ઘાટન પણ કરશે.

હવામાન વિભાગનું એલર્ટ: 17 રાજ્યોમાં વાવાઝોડું અને ભારે વરસાદ

ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા 30 મે માટે ઉત્તર પ્રદેશ, દિલ્હી અને બિહાર સહિત દેશના 17 રાજ્યોમાં ભારે વરસાદ અને અતિ તીવ્ર વાવાઝોડાની ચેતવણી (ઓરેન્જ એલર્ટ) જાહેર કરવામાં આવ્યું છે. આ દરમિયાન પવનની ગતિ 85 કિલોમીટર પ્રતિ કલાક રહેવાની શક્યતા હોવાથી હવામાન વિભાગે ખેડૂતોને પાક સુરક્ષિત રાખવા અને નાગરિકોને અત્યંત સાવધ રહેવા સલાહ આપી છે.


બંદોબસ્ત રિહર્સલનું નિરીક્ષણ કરશે પોલીસ કમિશનર

અમદાવામાં આઈપીએલ ફાઈનલ મેચ યોજાશે. જે મેચ અનુસંધાને પોલીસ કમિશનર 30 મેના રોજ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે બંદોબસ્ત રિહર્સલનું નિરીક્ષણ કરવા માટે આવશે. જેમાં ફાઈનલને લઈને પોલીસ દ્વારા કેવી તૈયારી કરવામાં આવી રહી છે, તેની સમીક્ષા કરશે.


આ પણ વાંચો - Surat To Somnath ડાયરેક્ટ વોલ્વો બસ સેવા શરૂ, જાણો ભાડું અને સમય પત્રક