સુરત અને દક્ષિણ ગુજરાતમાંથી પ્રથમ જ્યોતિર્લિંગ એવા ભગવાન સોમનાથ મહાદેવના દર્શનાર્થે જતા શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓ માટે રાજ્ય સરકાર દ્વારા એક ખુશખબર સામે આવ્યા છે. એસ.ટી. નિગમ (GSRTC) દ્વારા સુરતથી સોમનાથ માટે ડાયરેક્ટ પ્રિમિયમ વોલ્વો બસ સેવાનો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો છે. આ નવી સુવિધાથી યાત્રાળુઓને હવે કોઈપણ જાતની હાલાકી વગર સીધી જ સોમનાથની કનેક્ટિવિટી મળી રહેશે.

ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ આપી લીલી ઝંડી

સુરતના અડાજણ સ્થિત અત્યાધુનિક બસ ડેપો ખાતેથી આ પ્રિમિયમ વોલ્વો બસ સેવાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. સુરત પશ્ચિમ વિધાનસભા બેઠકના ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદીના હસ્તે આ હાઈટેક બસને લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. આ પ્રસંગે એસટી નિગમના ઉચ્ચ અધિકારીઓ અને સ્થાનિક અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

માત્ર 12 કલાકમાં સફર પૂરી થશે, જાણો સમય અને ભાડું

આ લક્ઝુરિયસ વોલ્વો બસ સેવાની ખાસિયત એ છે કે, તે મુસાફરોને અત્યંત આરામદાયક સફરનો અનુભવ કરાવશે.

  • સમય પત્રક: આ બસ દરરોજ સવારે 8:00 વાગ્યે સુરતના અડાજણ ડેપોથી ઉપડશે અને બરાબર 12 કલાકની સફર ખેડીને રાત્રે 8:00 વાગ્યે સોમનાથ પહોંચાડશે.
  • ટિકિટ દર: સુરતના નાગરિકો આ પ્રિમિયમ અને આરામદાયક મુસાફરીનો લાભ માત્ર રૂપિયા 1880 ના ભાડામાં લઈ શકશે.

યાત્રાળુઓમાં ખુશીનો માહોલ

સોમનાથ વિશ્વ પ્રસિદ્ધ ધાર્મિક અને પર્યટન સ્થળ હોવાથી સુરતથી દરરોજ હજારો લોકો ત્યાં જતા હોય છે. અત્યાર સુધી ટ્રેન અથવા પ્રાઇવેટ વાહનો પર નિર્ભર રહેવું પડતું હતું, પરંતુ સરકારી વોલ્વો સુવિધા શરૂ થતાં પ્રવાસીઓ ખાસ કરીને સિનિયર સિટિઝનો અને પરિવારોમાં ભારે આનંદની લાગણી જોવા મળી રહી છે. મુસાફરો આ બસનું બુકિંગ ઓનલાઇન એપ્લિકેશન કે ડેપો પરથી કરાવી શકશે.


આ પણ વાંચો - Surat News: પત્નીના ત્રાસથી કંટાળીને પતિએ કલેક્ટર પાસે કરી ઈચ્છામૃત્યુની માગ