કેન્દ્રીય કાયદા અને ન્યાય મંત્રી અર્જુન રામ મેઘવાલ હાલ ગુજરાતની મુલાકાતે છે. અમદાવાદ ખાતે પત્રકારો સાથેની વાતચીતમાં તેમણે દેશભરની અદાલતોમાં કરોડોની સંખ્યામાં પેન્ડિંગ રહેલા કેસો (ન્યાયમાં વિલંબ)ના મુદ્દે કેન્દ્ર સરકારના આગામી રોડમેપ અંગે ખૂબ જ મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે દાવો કર્યો છે કે, ટેકનોલોજી અને નવીનતમ સિસ્ટમના સમન્વયથી આગામી સમયમાં પેન્ડિંગ કેસોની સંખ્યામાં મોટો ઘટાડો જોવા મળશે.
શું છે આ ‘એજિંગ એનાલિસિસ સિસ્ટમ’?
અદાલતોમાં વર્ષોથી ધૂળ ખાતા કેસોનો ઝડપથી નિકાલ લાવવા માટે સરકાર દ્વારા એક ખાસ ‘એજિંગ એનાલિસિસ સિસ્ટમ’ (Ageing Analysis System) શરૂ કરવામાં આવી છે. કાયદા મંત્રીએ આ સિસ્ટમ અંગે વિગતો આપતા જણાવ્યું કે, આ ટેકનોલોજી આધારિત સિસ્ટમની મદદથી જે કેસો સૌથી વધુ જૂના (જેમ કે 10, 20 કે 30 વર્ષ જૂના) છે, તેની યાદી પહેલા તૈયાર થશે. આ સિસ્ટમ હેઠળ આવા વર્ષો જૂના કેસોને ન્યાયિક પ્રક્રિયામાં સર્વોચ્ચ અગ્રતા આપીને તેનો પહેલા નિકાલ કરવામાં આવશે.
અલ્ટરનેટ રિઝોલ્યુશન મિકેનિઝમ અને ઈ-કોર્ટ ફેઝ 3થી આવશે ક્રાંતિ
કાયદા મંત્રી અર્જુન મેઘવાલે ભારપૂર્વક જણાવ્યું હતું કે, પરંપરાગત અદાલતી કાર્યવાહી ઉપરાંત અલ્ટરનેટ રિઝોલ્યુશન મિકેનિઝમ (Alternate Dispute Resolution - ADR) એટલે કે મધ્યસ્થતા અને લોકઅદાલતો જેવા વિકલ્પોના પ્રચાર-પ્રસારથી કેસોનો ઝડપી અને સૌહાર્દપૂર્ણ નિકાલ લાવવામાં આવી રહ્યો છે. આ સિવાય દેશમાં ડિજિટલ ન્યાય પ્રણાલીને મજબૂત કરવા માટે ‘ઈ-કોર્ટ પ્રોજેક્ટ ફેઝ-3’ (E-Courts Phase 3) ને સંપૂર્ણપણે લાગુ કરવામાં આવી રહ્યો છે.
ન્યાય પ્રક્રિયા ઝડપી બનશે
કેન્દ્રીય મંત્રીએ આશા વ્યક્ત કરી છે કે, ઈ-કોર્ટના ત્રીજા તબક્કા હેઠળ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને ડિજિટાઈઝેશનનો ઉપયોગ વધશે. ડિજિટલ પ્લેટફોર્મના કારણે કાગળની કામગીરી ઘટશે અને વકીલો તેમજ અરજદારો ઓનલાઈન માધ્યમથી ઝડપથી જોડાઈ શકશે. આ તમામ સંયુક્ત પ્રયાસોના પરિણામે આગામી સમયમાં દેશની અદાલતો પરથી પેન્ડિંગ કેસોનું ભારણ નોંધપાત્ર રીતે ઘટી જશે.
આ પણ વાંચો - Ahmedabad News: એસજી હાઈવે પર ગેસનો બાટલો ફાટતાં આગ લાગી