નગરજનોથી સતત ધમધમતા રહેતા અમદાવાદના પોશ વિસ્તાર એવા સરખેજ-ગાંધીનગર હાઈવે (SG Highway) પરથી આગની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ઇસ્કોન ચાર રસ્તા નજીક આવેલા વાઇડ એંગલ મલ્ટિપ્લેક્સ પાસેના પાર્કિંગ પ્લોટમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ દુર્ઘટનામાં પાર્કિંગમાં પાર્ક કરેલા કેટલાક વાહનો આગની લપેટમાં આવી ગયા હતા.

ગેસનો બાટલો ફાટતાં આગે લીધું રૌદ્ર સ્વરૂપ

ઘટનાની મળતી પ્રાથમિક માહિતી અનુસાર, ઈસ્કોન વાઈડ એંગલ પાસે આવેલા ખુલ્લા પાર્કિંગ પ્લોટમાં કોઈ કારણોસર ગેસના બાટલામાં બ્લાસ્ટ થયો હતો. ગેસ સિલિન્ડર ફાટવાની સાથે જ આગ ઝડપથી આસપાસના વિસ્તારમાં પ્રસરી ગઈ હતી. પાર્કિંગમાં વાહનો પાસ-પાસે પાર્ક કરેલા હોવાથી આગે જોતજોતામાં મોટું સ્વરૂપ ધારણ કરી લીધું હતું, જેના કારણે આકાશમાં કાળા ડિબાન ધુમાડાના ગોટેગોટા ઉડતા જોવા મળ્યા હતા.

3 થી 4 વાહનો બળીને ખાખ

આ ભયાનક આગની ઝપેટમાં ત્યાં પાર્ક કરેલા 3 થી 4 વાહનો આવી ગયા હતા. વાહનોમાં પેટ્રોલ-ડીઝલ હોવાને કારણે આગ વધુ ભભૂકી ઉઠી હતી અને જોતજોતામાં આ તમામ વાહનો સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયા હતા. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી, પરંતુ વાહનોને મોટું નુકસાન થયું છે.

ફાયરબ્રિગેડે મેળવ્યો કાબૂ

ઘટનાની જાણ થતાં જ અમદાવાદ ફાયરબ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી. ફાયર ફાઈટરોએ સતત પાણીનો મારો ચલાવીને ગણતરીના સમયમાં આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લીધો હતો, જેથી વધુ મોટી હોનારત ટળી હતી. હાલ આગ કયા સંજોગોમાં લાગી અને ગેસનો બાટલો ત્યાં કઈ રીતે આવ્યો તે દિશામાં સ્થાનિક પોલીસ અને તંત્ર દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.


આ પણ વાંચો - Ahmedabad : જીંજરમાં જમીન બાબતે હિંસક હુમલો, કોંગ્રેસના ઉમેદવાર હરપાલસિંહ ચુડાસમાનું નામ ખુલતાં ખળભળાટ