અમદાવાદ શહેરમાં લીંબુના પ્રતિ કિલોના ભાવ છૂટક બજારમાં 200 રૂપિયા સુધી પહોંચી ગયા છે! જ્યારે હોલસેલ માર્કેટમાં 150 થી 160 રૂપિયા પ્રતિ કિલોના ભાવ બોલાઈ રહ્યા છે.વેપારીઓના મતે કોરોનાકાળમાં પ્રતિ કિલો લીંબુનો હોલસેલ ભાવ 150 થી 200 રૂપિયા થયો હતો.ત્યારબાદનો આ સૌથી વધુ ભાવ વધારો છે. અમદાવાદમાં અઠવાડિયા પહેલા લીંબુનો હોલસેલ ભાવ 110 થી 120 રૂપિયા હતો.આમ હોલસેલમાં એક જ સપ્તાહમાં 40 રૂપિયાનો વધારો થઈ ગયો છે.આ ભાવ સપાટી હજુ સતત એક મહિનો જળવાઈ રહેવાની શક્યતા વેપારીઓ વ્યક્ત કરી રહ્યા છે.
હાલ લીંબુની ગુણવત્તા મધ્યમ પ્રકારની
અમદાવાદ જમાલપુર માર્કેટના લીંબુના વેપારીના જણાવ્યા મુજબ, હાલ લીંબુની ગુણવત્તા મધ્યમ પ્રકારની છે. સારી ગુણવત્તાવાળા લીંબુ પ્રતિ કિલો 180 રૂપિયે મળી રહ્યા છે.ગત વર્ષે ઉનાળામાં અમદાવાદમાં હોલસેલમાં લીંબુના મહત્તમ ભાવ 120 થી 150 રૂપિયા પ્રતિ કિલો રહ્યા હતા.પરંતુ આ વર્ષે ઉનાળાની શરૂઆતમાં જ ભાવ ભડકે બળ્યા છે.હાલ અમદાવાદમાં ભાવનગર અને મુંબઈથી રોજનો 50 ટન જેટલો લીંબુનો માલ આવી રહ્યો છે. થોડો ઘણો માલ મહારાષ્ટ્રના ચાલીસગાંવથી પણ આવવો શરૂ થયો છે.
