અમદાવાદ શહેરની મધ્યમાંથી પસાર થતી સાબરમતી નદી આગામી દિવસોમાં કોરીધાકોર જોવા મળશે.વાસણા બેરેજના જર્જરિત દરવાજાઓના સમારકામ માટે તંત્ર દ્વારા નદી ખાલી કરવાની અગાઉ જાહેરાત કરાઈ હતી.તેના ભાગરૂપે વાસણા ડેમના 9 કરોડના ખર્ચે 18 દરવાજાના રિપેરિંગ માટે બુધવાર સાંજ સુધીમાં સાબરમતી નદી ખાલી કરવામાં આવશે.નદીમાં હાલ 2 મિલિયન ક્યુબિક મીટર પાણીનો જથ્થો છે. જેમાંથી ડેમના 30 દરવાજા પૈકી 8 દરવાજા ખુલ્લા કરીને પ્રતિ સેકન્ડ 3000 ક્યુસેક પાણી છોડાતા રિવરફન્ટ જળવિહોણો થશે.
કામગીરી પૂર્ણ કરવાનો 60 દિવસનો લક્ષ્યાંક
ચોમાસા પૂર્વે કામગીરી પૂર્ણ કરવાનો 60 દિવસનો લક્ષ્યાંક છે.સમય વધુ જવાની શક્યતા વ્યક્ત કરાઈ છે.સાથોસાથ નદીના પટમાંથી કચરાના નિકાલ માટેની કામગીરી પણ શરૂ કરી દેવાઈ છે.ઉલ્લેખનીય છે કે,અગાઉ 01 એપ્રિલથી નદી ખાલી કરવાની હોવાથી 26 મી માર્ચે ઉપરવાસમાંથી પાણી બંધ કરાયું હતું. ફતેહવાડી કેનાલના ખેડૂતોને પાણી આપવાનું હોવાથી હવે 14મી એપ્રિલથી નદી ખાલી કરવાનું શરૂ કરાયું છે.હાલ સાબરમતી નદીમાં અંદાજે 2 મિલિયન ક્યુબિક મીટર પાણીનો જથ્થો છે.આ જથ્થાને ખાલી કરવા માટે ડેમના આઠ દરવાજા ખોલવામાં આવ્યા છે.જેમાંથી પ્રતિ સેકન્ડ 3 હજાર ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે.
