ગુજરાતના આર્થિક પાટનગર અમદાવાદની ઓળખ હવે માત્ર હેરિટેજ શહેર પૂરતી સીમિત નહીં રહે, પરંતુ માયાનગરી મુંબઈની જેમ અહીં પણ હાઈ રાઇઝ બિલ્ડિંગોમાં રહેવા અને કામ કરવાની સુવિધાઓ ઉપલબ્ધ થશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા શહેરના રિયલ એસ્ટેટ સેક્ટરને મોટી રાહત આપતા ઊંચી ઇમારતો (હાઈ રાઇઝ બિલ્ડિંગ) માટે મંજૂરી આપવાની શરૂઆત કરી દેવામાં આવી છે.
મહાકાય પ્રોજેક્ટ્સને મંજૂરી:
AMC સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ આ અંગે નિવેદન આપતા જણાવ્યું હતું કે, "મનપા દ્વારા છેલ્લા થોડા સમયમાં જ 17 જેટલી હાઈ રાઇઝ બિલ્ડિંગોને મંજૂરી આપી દેવામાં આવી છે. આનાથી અમદાવાદની સ્કાઈલાઈન બદલાશે અને શહેરને એક આધુનિક ઓળખ મળશે." આ મંજૂરીઓમાં સૌથી મહત્ત્વનો પ્રોજેક્ટ 41 માળની સૌથી ઊંચી બિલ્ડિંગનો છે. આ ઊંચી ઇમારતોના નિર્માણથી અમદાવાદના રહેવાસીઓને અત્યાધુનિક સુવિધાઓ સાથે આવાસ અને કોમર્શિયલ જગ્યાઓ મળી રહેશે. આ નિર્ણયથી સ્પષ્ટ થાય છે કે અમદાવાદ હવે ઝડપથી આધુનિક મેટ્રોપોલિટન સિટી તરફ આગળ વધી રહ્યું છે.
