અમદાવાદ શહેરના નારોલ વિસ્તારમાં પોલીસ કોન્સ્ટબ્યુલરી બ્રાન્ચ (PCB) એ દારૂબંધીના કાયદાનો કડક અમલ કરાવતા એક મોટી સફળતા મેળવી છે. એસ.પી. રિંગ રોડ પર સાંઈનાથ પાર્કિંગ પાસે વોચ ગોઠવીને પોલીસે હેલ્મેટની આડમાં લઈ જવાતો લાખોની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે.


હેલ્મેટની આડમાં દારૂની હેરાફેરીની મોડસ ઓપરેન્ડી

બુટલેગરો દ્વારા દારૂ છુપાવવા માટે અવનવા નુસખાઓ અપનાવવામાં આવતા હોય છે. આ કિસ્સામાં, અશોક લેલેન્ડ ટ્રકમાં ઉપરના ભાગે 1,053 નંગ હેલ્મેટ ભરેલા બોક્સ રાખવામાં આવ્યા હતા, જેથી પોલીસને શંકા ન જાય. પરંતુ PCBએ બાતમીના આધારે ટ્રકની ઝીણવટભરી તપાસ કરતા હેલ્મેટના થપ્પા પાછળ છુપાવેલો વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો.

ચંદીગઢથી જૂનાગઢનું કનેક્શન

પોલીસે આ ઓપરેશન દરમિયાન લાખોનો મુદ્દામાલ જપ્ત કર્યો છે,વિદેશી દારૂ 10,749 નંગ બોટલો (કિંમત રૂ. 63,86,608) હેલ્મેટ 1,053 નંગ (કિંમત રૂ. 5,25,447)  HP પાસિંગનો ટ્રક તથા અન્ય સામાન કુલ મુદ્દામાલ અંદાજિત રૂ. 84.22 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આ દારૂનો જથ્થો ચંદીગઢથી ભરીને જૂનાગઢ પહોંચાડવાનો હતો. પોલીસે ઘટનાસ્થળેથી ટ્રક ડ્રાઈવરની ધરપકડ કરી છે અને તેની પૂછપરછ શરૂ કરી છે. આ માલ કોણે મંગાવ્યો હતો અને ચંદીગઢમાં કોણે ભરાવ્યો હતો, તે દિશામાં નારોલ પોલીસે તપાસ તેજ કરી છે.

આ પણ વાંચો: Rajkot: હથિયાર સાથે ઝડપાયેલો શખ્સ નીકળ્યો રીઢો ગુનેગાર, પરણિતા પર દુષ્કર્મ ગુજાર્યાનો ચોંકાવનારો ખુલાસો


  • Follow us on: