રાજકોટ પોલીસે ગુનાખોરી ડામવા માટે હાથ ધરેલી તપાસમાં એક મોટી સફળતા મળી છે. બેડી ગામ પાસેથી દેશી બનાવટની પિસ્તોલ સાથે ઝડપાયેલો હરેશ જાદવ નામનો શખ્સ માત્ર હથિયારધારી જ નહીં, પરંતુ એક રીઢો ગુનેગાર અને દુષ્કર્મનો આરોપી હોવાનું સામે આવ્યું છે. પોલીસે તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
રીઢો ગુનેગાર અને દુષ્કર્મનો આરોપી
તપાસમાં બહાર આવેલી વિગતો મુજબ, ભોગ બનનાર પરણિતા અને આરોપી હરેશ જાદવનો પરિચય ત્રણેક વર્ષ પહેલાં રિક્ષામાં મુસાફરી દરમિયાન થયો હતો. આ સામાન્ય ઓળખાણનો ગેરફાયદો ઉઠાવી હરેશે મહિલાને પોતાની જાળમાં ફસાવી હતી. ત્યારબાદ તે મહિલાને સતત શારીરિક સંબંધ બાંધવા માટે દબાણ કરતો હતો.
અપહરણ અને કેફી પદાર્થ પીવડાવી દુષ્કર્મ
આરોપીની ક્રૂરતા અહીં જ ન અટકી. તેણે પરણિતાનું અપહરણ કર્યું અને તેને રાજકોટ તેમજ ઈન્દોર લઈ ગયો હતો. ત્યાં મહિલાને કોઈ કેફી પદાર્થ પીવડાવી બેભાન કરી દીધી હતી અને તેની મરજી વિરુદ્ધ બે વખત દુષ્કર્મ આચર્યું હતું. આરોપી સતત પીડિતાને હેરાન-પરેશાન કરતો હતો.
હથિયાર સાથે ધરપકડ અને ગુનાહિત ઈતિહાસ
રાજકોટ પોલીસે બાતમીના આધારે બેડી ગામ પાસે વોચ ગોઠવી હરેશ જાદવને દબોચી લીધો હતો. તેની તલાશી લેતા તેની પાસેથી 1 દેશી બનાવટની પિસ્તોલ ,3 જીવતા કારતૂસ મળી આવ્યા હતા. પોલીસ રેકોર્ડ તપાસતા જાણવા મળ્યું કે હરેશ વિરુદ્ધ અગાઉ પણ ૯થી વધુ ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. તે લાંબા સમયથી ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલો છે.
આ પણ વાંચો: Valsad News : વલસાડનો લાલ, ભારતની અંડર-19 ક્રિકેટ ટીમનો સ્ટાર ખેલાડી હેનીલ પટેલ વર્લ્ડ ચેમ્પિયન બન્યા બાદ વતન પરત ફર્યો