અમદાવાદના પોશ ગણાતા પ્રહલાદનગર વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યાને હળવી કરવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અંદાજે રૂ. 350 કરોડના ખર્ચે ભવ્ય મલ્ટીલેવલ પાર્કિંગ બનાવવામાં આવ્યું હતું. જોકે, આ પ્રોજેક્ટ હાલ તંત્રની ઘોર બેદરકારીનું પ્રતિક બની ગયો છે. આશ્ચર્યની વાત એ છે કે કરોડો રૂપિયાના ખર્ચે બનેલા આ પાર્કિંગના દરવાજા જનતા માટે બંધ રાખવામાં આવ્યા છે, જેના કારણે સ્થાનિકોએ હજુ પણ રોડ પર જ વાહનો પાર્ક કરવા પડે છે અને ટ્રાફિકની સમસ્યા ઠેરની ઠેર રહી છે. જનતાના પરસેવાની કમાણીમાંથી બનેલી આ મિલકત હાલ માત્ર ધૂળ ખાઈ રહી છે.
મ્યુનિસિપલ કોર્પોરેશનનો નવો ખેલ
વધુ ગંભીર બાબત એ છે કે, આ બંધ પાર્કિંગમાં કલાકો સુધી લાઈટ્સ અને લિફ્ટ ચાલુ રહે છે, જેના કારણે વીજળીનો પણ મોટો બગાડ થઈ રહ્યો છે. એક તરફ તંત્ર પાસે આ પાર્કિંગ ચલાવવાની વ્યવસ્થા નથી, તો બીજી તરફ હવે આ કરોડોની મિલકતને વેચવાની પેરવી કરવામાં આવી રહી હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે. વારંવારની રજૂઆતો છતાં તંત્ર આ મામલે મૌન સેવી રહ્યું છે, જે સરકારી નાણાં અને આયોજનબદ્ધ વિકાસ સામે મોટા સવાલો ઊભા કરે છે.













