અમદાવાદના નરોડા વિસ્તારમાં આવેલી સબ રજીસ્ટ્રાર-6 ની કચેરીમાં લાંબા સમયથી ચાલતા ભ્રષ્ટાચારના નેટવર્કનો એસીબીએ પર્દાફાશ કર્યો છે. દસ્તાવેજના કામ પતાવવા માટે લાખો રૂપિયાની માંગણી કરનારા સરકારી કર્મચારીઓ અને તેમની સાથે સંકળાયેલા ખાનગી વ્યક્તિઓને એસીબીએ ટ્રેપ ગોઠવીને ઝડપી લીધા છે.

દસ્તાવેજ માટે માંગી હતી મોટી રકમ

મળતી માહિતી મુજબ, નરોડા-6 ના સબ રજીસ્ટ્રાર આકાશ અમૃતભાઈ દેસાઈ અને તેમના સ્ટાફ દ્વારા એક જમીન દસ્તાવેજના કામ માટે કુલ રૂ. 2.50 લાખની લાંચ માંગવામાં આવી હતી. આ અગાઉ પણ ટોકન અનલોક કરવાના બહાને તેઓએ રૂ. 35 હજારની રકમ વસૂલી લીધી હતી. આ બાબતે જાગૃત નાગરિકે એસીબીનો સંપર્ક કરતા છટકું ગોઠવવામાં આવ્યું હતું.

વોટ્સએપ કોલ દ્વારા ચાલતું હતું સેટિંગ

ભ્રષ્ટાચારીઓ એટલા શાણા હતા કે તેઓ પકડાઈ ન જાય તે માટે સામાન્ય કોલને બદલે વોટ્સએપ કોલ (WhatsApp Call) દ્વારા લાંચની રકમનું સેટિંગ કરતા હતા. જોકે, એસીબીએ ટેકનિકલ સર્વેલન્સ અને સફળ ટ્રેપ દ્વારા આરોપીઓને લાંચની રકમ સ્વીકારતા જ ઝડપી પાડ્યા હતા.એસીબીએ ઘટનાસ્થળેથી લાંચ પેટે લીધેલા પૂરેપૂરા રૂ. 2.50 લાખ રિકવર કર્યા છે. હાલમાં તમામ આરોપીઓ વિરુદ્ધ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધી તેમની મિલકતો અને અગાઉના દસ્તાવેજોની તપાસ હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચો: Surat News: વરાછાની SBI બેંકમાં 50 લાખની લૂંટ કરનાર બે આરોપી ઉત્તર પ્રદેશથી ઝડપાયા