અમદાવાદ જિલ્લાના માંડલ તાલુકાના શેર અને રખિયાણા ગામના સીમાડે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. ઓકળામાંથી રેતી કાઢવા ગયેલા બે યુવકો પર માટીની ભેખડ ધસી પડતા બંનેના દટાઈ જવાથી કરુણ મોત નિપજ્યા છે. આ ઘટનાને પગલે સમગ્ર માંડલ પંથકમાં અને ઠાકોર સમાજમાં ભારે શોક વ્યાપી ગયો છે.

માંડલમાં કાળમુખી ભેખડ ધસી

મળતી માહિતી મુજબ, માંડલના શેર ગામના 20 થી 30 વર્ષના બે યુવાનો ઓકળામાંથી ટ્રેક્ટરમાં રેતી ભરી રહ્યા હતા. આ દરમિયાન અચાનક માટીનો ઉપરનો ભાગ (ભેખડ) ધસી પડ્યો હતો. રેતી કાઢવામાં મશગૂલ યુવાનોને સંભાળવાનો મોકો મળે તે પહેલા જ તેઓ ટનબંધ માટી નીચે દટાઈ ગયા હતા. ગંભીર ઇજાઓ અને શ્વાસ રૂંધાવાને કારણે બંનેના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા.મૃતકોની ઓળખ  1. અલ્પેશભાઇ દશરથભાઈ ઠાકોર (ઉંમર વર્ષ 30, રહે. શેર ગામ)2. શાહિલ કાળુભાઈ ઠાકોર (ઉંમર વર્ષ 20, રહે. શેર ગામ)

પોલીસ કાર્યવાહી

ઘટનાની જાણ થતાં જ ગ્રામજનો અને માંડલ પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે જેસીબી અને અન્ય સાધનોની મદદથી માટી નીચે દટાયેલા યુવકોના મૃતદેહ બહાર કાઢ્યા હતા. મોડી રાત્રે મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે વિરમગામની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. માંડલ પોલીસે આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો: Ahmedabad: બલોલનગર બ્રિજ પરથી બાઇક ચાલક પટકાયો, યુવકનું માથું ફાટી જતાં ઘટનાસ્થળે જ દમ તોડ્યો