ઉત્તરાયણનો પર્વ આનંદનો તહેવાર છે, પરંતુ વાહનચાલકો માટે પતંગની ઘાતક દોરી જીવલેણ સાબિત થતી હોય છે. ખાસ કરીને શહેરના ઓવરબ્રિજ પરથી પસાર થતા વાહનચાલકો ગળામાં દોરી આવવાને કારણે ગંભીર રીતે ઘવાતા હોય છે અથવા જીવ ગુમાવતા હોય છે. આ જોખમને ટાળવા માટે અમદાવાદના મનોજ ભાવસાર છેલ્લા 19 વર્ષથી એક અનોખી સેવાકીય ઝુંબેશ ચલાવી રહ્યા છે.

ઓવરબ્રિજ પર સુરક્ષા કવચ

મનોજ ભાવસાર દ્વારા દર વર્ષે ઉત્તરાયણ પૂર્વે અમદાવાદ શહેરના તમામ મહત્વના ઓવરબ્રિજ પર લોખંડના પાતળા તાર બાંધવાની કામગીરી કરવામાં આવે છે. આ કામગીરી પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય બ્રિજ પરથી પસાર થતા ટુ-વ્હીલર ચાલકોને પતંગની દોરીથી બચાવવાનો છે. જ્યારે પતંગ કપાઈને બ્રિજ પર આવે છે, ત્યારે આ ઊંચાઈ પર બાંધેલા તાર દોરીને રોકી લે છે, જેથી તે સીધી વાહનચાલકના ગળા સુધી પહોંચી શકતી નથી.

રહેણાંક વિસ્તારોના બ્રિજ વધુ જોખમી

મનોજભાઈના જણાવ્યા અનુસાર, જે ઓવરબ્રિજ રહેણાંક મકાનોની એકદમ નજીકથી પસાર થાય છે ત્યાં જોખમ સૌથી વધુ હોય છે. મકાનોની અગાશી પરથી પતંગ ચગાવતા હોવાથી દોરી સીધી બ્રિજ પર આવવાની શક્યતા રહે છે. આથી, આવા જોખમી બ્રિજો પર તેઓ વિશેષ ધ્યાન આપે છે.

AMC ના સહયોગથી 19 વર્ષની સેવારથ

આ ભગીરથ કાર્યમાં તેઓ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ની પણ મદદ લે છે. છેલ્લા ૧૯ વર્ષની તેમની આ સતત મહેનતનું પરિણામ એ આવ્યું છે કે, જે બ્રિજો પર તાર બાંધવામાં આવે છે ત્યાં દોરી વાગવાના બનાવોમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. અનેક વાહનચાલકો અજાણતા જ આ સુરક્ષા કવચને કારણે મોતના મુખમાંથી બચી જાય છે.

આ પણ વાંચો: મહેશ વસાવાના કોંગ્રેસ પ્રવેશ પર મનસુખ વસાવાનું નિવેદન, મહેશભાઈની લડાઈ ચૈતર વસાવા સામે ભાજપ સામે નહીં