ગુજરાતના આદિવાસી પટ્ટાના રાજકારણમાં આજે એક મોટો વળાંક આવ્યો છે. ભારતીય ટ્રાયબલ પાર્ટી (BTP) ના સ્થાપક અને પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાએ આજે વિધિવત રીતે કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો છે. આ બાબતે ભાજપના સાંસદ મનસુખ વસાવાએ પોતાની પ્રતિક્રિયા આપતા ચૈતર વસાવા અને આમ આદમી પાર્ટી (AAP) પર આકરા પ્રહારો કર્યા છે.

BTP ને ખતમ કરનાર ચૈતર વસાવા સામે નારાજગી

સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે, મહેશ વસાવાની અસલી લડાઈ ભાજપ સામે નથી, પરંતુ તેમની નારાજગી ચૈતર વસાવા સામે છે. તેમણે ગંભીર આરોપ લગાવતા કહ્યું કે ચૈતર વસાવાએ આમ આદમી પાર્ટીમાં રહીને BTP ને પાયામાંથી ખતમ કરી નાખી છે. મહેશ વસાવાના પરિવારના ઘણા સભ્યો અત્યારે આમ આદમી પાર્ટીમાં જોડાયેલા છે, જેને કારણે આંતરિક વિખવાદ વધ્યો છે. BTP માં ભંગાણ પાડીને ચૈતર વસાવાએ જે રીતે રાજનીતિ કરી છે તેનાથી મહેશ વસાવા નારાજ હતા.

નેશનલ પાર્ટીમાં જવાથી ભવિષ્ય ઉજળું

મનસુખ વસાવાએ મહેશ વસાવાના કોંગ્રેસમાં જોડાવાના નિર્ણયને આવકારતા કહ્યું હતું કે, મહેશ વસાવા હવે નેશનલ લેવલની પાર્ટીમાં ગયા છે તે સારી વાત છે. પ્રાદેશિક પક્ષમાં રહીને સંઘર્ષ કરવા કરતા રાષ્ટ્રીય પાર્ટીના પ્લેટફોર્મ પર જવાથી તેમનું રાજકીય ભવિષ્ય વધુ ઉજળું બનશે તેવી આશા પણ તેમણે વ્યક્ત કરી હતી.

રાજકીય સમીકરણોમાં ફેરફાર

મહેશ વસાવા અગાઉ BTP માં સક્રિય હતા, ત્યારબાદ આમ આદમી પાર્ટી સાથે પણ તેમના સમીકરણો ચર્ચાયા હતા અને હવે આખરે તેમણે કોંગ્રેસનો હાથ પકડ્યો છે. આગામી સમયમાં આદિવાસી વિસ્તારોમાં કોંગ્રેસ અને AAP વચ્ચેની લડાઈ વધુ ઉગ્ર બને તેવા સંકેતો આ નિવેદન પરથી મળી રહ્યા છે.

આ પણ વાંચો: જેતલસરમાં કાળજું કંપાવતી ઘટના, પાણીની કુંડીમાં ડૂબી જવાથી દોઢ વર્ષની માસૂમ બાળકીનું મોત