રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના જેતલસર ગામે હૃદય કંપાવી દે તેવી ઘટના સામે આવી છે. અહીં એક કારખાનામાં મજૂરી કામ કરતા પરપ્રાતીય દંપતીની માત્ર દોઢ વર્ષની દીકરીનું પાણીની કુંડીમાં ડૂબી જવાથી મોત નીપજ્યું છે. આ બનાવને પગલે શ્રમિક પરિવારમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે.

દીકરીનું પાણીની કુંડીમાં ડૂબી જવાથી મોત 

જેતલસર-મંડલીકપૂર રોડ પર આવેલા 'સિગનોલ પોલી કેપ' નામના પ્લાસ્ટિકના કારખાનામાં એક પરપ્રાતીય મજૂર દંપતી કામ કરી પોતાનું ગુજરાન ચલાવે છે. તેમની દોઢ વર્ષની માસૂમ પુત્રી અનન્યા પીન્ટુભાઇ રાજપૂત કારખાનાના પરિસરમાં રમી રહી હતી. રમતા-રમતા બાળકી અચાનક નજીકમાં આવેલી પાણીની ખુલ્લી કુંડીમાં ખાબકી હતી.

શોધખોળ દરમિયાન કુંડીમાંથી મળી બાળકી

બાળકી લાંબા સમય સુધી ન દેખાતા માતા-પિતા અને આસપાસના લોકોએ તેની શોધખોળ શરૂ કરી હતી. તપાસ દરમિયાન માસૂમ અનન્યા કુંડીના પાણીમાં પડેલી જોવા મળી હતી. તેને તાત્કાલિક બહાર કાઢી ગંભીર હાલતમાં જેતપુરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. જોકે, હોસ્પિટલ પહોંચતા જ ફરજ પરના તબીબોએ બાળકીને તપાસીને મૃત જાહેર કરી હતી. ઘટનાની જાણ થતા જ જેતપુર તાલુકા પોલીસની ટીમ હોસ્પિટલ દોડી આવી હતી અને અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો: રેલવે સ્ટેશન નજીક ડીઝલ ટેન્કરે લારી ચાલક શ્રમિકને કચડ્યો, ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત