ભાવનગર શહેરમાં ટ્રાફિકથી ધમધમતા રેલવે સ્ટેશન વિસ્તારમાં આજે એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. એક ડીઝલ ટેન્કરના ચાલકે ગફલતભરી રીતે વાહન ચલાવી એક શ્રમિકને અડફેટે લેતા તેમનું કરુણ મોત નીપજ્યું છે. અકસ્માતને પગલે સ્થાનિક વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી અને લોકોના ટોળા ઉમટી પડ્યા હતા.

ટેન્કરના ચાલકે શ્રમિકને અડફેટે લેતા મોત 

મળતી માહિતી મુજબ, મૃતક શ્રમિકની ઓળખ નરેશભાઈ મકવાણા તરીકે થઈ છે. તેઓ શહેરના કરચલિયા પરા વિસ્તારના રહેવાસી હતા અને લારી ચલાવી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા. નરેશભાઈ જ્યારે રેલવે સ્ટેશન નજીકથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે કાળમુખા ડીઝલ ટેન્કરના ચાલકે તેમને જોરદાર ટક્કર મારી હતી. આ ટક્કર એટલી ભયાનક હતી કે નરેશભાઈનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

લોકોના ટોળા અને પોલીસ કાર્યવાહી

અકસ્માત સર્જાતા જ આસપાસના વેપારીઓ અને રાહદારીઓ મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા. બનાવની જાણ થતા જ ગંગાજળીયા પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે મૃતદેહનો કબજો સંભાળી તેને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરી હતી.

પરિવારમાં શોકનું મોજું

શ્રમિક નરેશભાઈના અચાનક મોતના સમાચાર મળતા જ તેમના પરિવારમાં આક્રંદ છવાઈ ગયો હતો. મહેનત મજૂરી કરીને ઘર ચલાવતા મોભીના જવાથી કરચલિયા પરા વિસ્તારમાં પણ ગમગીની ફેલાઈ છે. પોલીસે ડીઝલ ટેન્કર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. 

આ પણ વાંચો: મહિધરપુરામાંથી 15 લાખની પ્રતિબંધિત E-સિગારેટ ઝડપાઈ, LCB એ મોબાઈલના વેપારીને દબોચ્યો