અમદાવાદ જિલ્લાના વિરમગામ શહેરમાં મોડી રાત્રે આગની એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. શહેરના કસ્ટમ રોડ પર આવેલા 'સમીર પેન્ટર' નામના બાઈક કલર કરવાના ગેરેજમાં અચાનક આગ ભભૂકી ઉઠતા દોડધામ મચી ગઈ હતી. આ આગમાં ગેરેજમાં કલર કામ માટે આવેલી 15થી વધુ મોટરસાયકલો સળગીને ખાખ થઈ ગઈ છે.

કસ્ટમ રોડ પર ગેરેજમાં 15 બાઈકો સળગી

મળતી માહિતી મુજબ, મધરાતે જ્યારે આખું શહેર ઊંઘમાં હતું ત્યારે ગેરેજમાંથી અચાનક ધુમાડાના ગોટેગોટા અને આગની જ્વાળાઓ દેખાવા લાગી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ જાણી શકાયું નથી.

મધરાતે ભડકે બળ્યું ગેરેજ

ઘટનાની જાણ થતા જ વિરમગામ નગરપાલિકાની ફાયર ફાઈટરની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયર ટીમે સતર્કતા દાખવી આગ પર કાબૂ મેળવવાની કામગીરી શરૂ કરી હતી, જેના કારણે ગેરેજમાં રહેલી અન્ય અનેક બાઈકોને નુકસાન થતા બચાવી લેવામાં આવી હતી. જોકે, ત્યાં સુધીમાં ૧૫ જેટલી બાઈકો સંપૂર્ણપણે બળી ગઈ હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી.

આ પણ વાંચો: Surat: 3 લાખ સામે 15 લાખ પધરાવ્યા છતાં સંતાનને પતાવી દેવાની ધમકી, અનીસ મીંડી સામે ફરિયાદ