સુરતના લાલગેટ વિસ્તારમાં વ્યાજખોરોનો વધુ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. સામાન્ય રકમની સામે પાંચ ગણી રકમ વસૂલી લીધી હોવા છતાં, વ્યાજખોરોની લાલચ સંતોષાતી નથી. આ કિસ્સામાં ભોગ બનનાર વ્યક્તિને નામચીન અનીસ મીંડીના નામે ધમકી આપી સંતાનોને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવતા ચકચાર મચી ગઈ છે.

સુરતના લાલગેટમાં વ્યાજખોરોનો આતંક

મળતી વિગતો મુજબ, લાલગેટ વિસ્તારમાં રહેતા ફરિયાદીએ વ્યાજખોર ભાઈ-બહેન પાસેથી 3 લાખ રૂપિયા વ્યાજે લીધા હતા. ફરિયાદીએ અત્યાર સુધીમાં ટુકડે-ટુકડે કુલ 15 લાખ રૂપિયા ચૂકવી દીધા છે. આમ છતાં, વ્યાજખોરો દ્વારા વધુ નાણાંની માંગણી કરવામાં આવી રહી હતી. જ્યારે ફરિયાદીએ અસમર્થતા દર્શાવી, ત્યારે નામચીન શખ્સ અનીસ મીંડી દ્વારા તેમને અને તેમના સંતાનોને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી.

3 લાખના બદલામાં 15 લાખ ચૂકવ્યા

પોતાના સંતાનોની સુરક્ષાને લઈને ચિંતિત ફરિયાદીએ આખરે હિંમત દાખવી લાલગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે વ્યાજખોર ભાઈ-બહેન અને ધમકી આપનાર અનીસ મીંડી વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સુરત પોલીસ હાલ આ મામલે ઊંડી તપાસ કરી રહી છે કે આ વ્યાજખોરીના નેટવર્કમાં અન્ય કેટલા લોકો સંડોવાયેલા છે.

આ પણ વાંચો: Bharuch: ઝઘડિયામાં ભાજપની ઉમેદવાર યાદી જાહેર, જિલ્લા પંચાયતની 4 બેઠકો પર દાવ, પૂર્વ પ્રમુખના પત્નીને મળી ટિકિટ