ઓનલાઇન ફાર્મસીના વધતા વ્યાપના વિરોધમાં આવતીકાલે 20મી મેના રોજ અમદાવાદ સહિત રાજ્યભરના મેડિકલ સ્ટોર્સે 'પ્રતીકાત્મક બંધ' રાખવાની જાહેરાત કરી છે. બીજી તરફ, સીએનજી ગેસના અસહ્ય ભાવવધારા સામે રિક્ષા ચાલકોએ પણ આક્રમક લડત શરૂ કરી છે. રિક્ષા એસોસિએશને ચીમકી ઉચ્ચારી છે કે, સીએનજીના ભાવ રૂ. 86ને પાર પહોંચી જતાં હવે ગેસ અને પેટ્રોલ વચ્ચે કોઈ મોટો તફાવત રહ્યો નથી, જેથી તેઓ મજબૂરીમાં પેટ્રોલથી રિક્ષા ચલાવશે. આ સાથે જ શહેરમાં દોડતી ગેરકાયદે બાઈક ટેક્સીઓ બંધ કરવા માટે પણ ઉચ્ચ સ્તરે રજૂઆત કરાઈ છે. વર્તમાન સમયમાં વધતી જતી મોંઘવારી વચ્ચે રિક્ષા ચાલકો સહિત વેપારી આલમમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
તમામ મેડિકલ સ્ટોર્સ એક દિવસ માટે બંધ પાળશે
દવાના છૂટક વેપારમાં ઓનલાઈન ફાર્મસીના કારણે નાના વેપારીઓને થતા નુકસાન સામે અમદાવાદ કેમિસ્ટ એસોસિએશન દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. વેપારીઓના હિતના રક્ષણ માટે આવતીકાલે બુધવારના રોજ અમદાવાદ શહેર સહિત સમગ્ર ગુજરાત અને દેશભરના તમામ મેડિકલ સ્ટોર્સ એક દિવસ માટે 'પ્રતીકાત્મક બંધ' પાળશે. જોકે, દવા એસોસિએશન દ્વારા સ્પષ્ટતા કરાઈ છે કે, બંધ દરમિયાન સામાન્ય જનતાને હાલાકી ન પડે તે માટે સરકારી અને મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલોના મેડિકલ સ્ટોર્સ ખુલ્લા રાખવામાં આવશે. આ ઉપરાંત, ઈ મરજન્સીના કિસ્સામાં કોઈ દર્દીને દવાની તાકીદે જરૂરિયાત ઊભી થાય તો સંસ્થાની ઓફિસ પર સંપર્ક કરીને દવા મેળવી શકાશે.
