અમદાવાદ શહેરમાં ચંડોળા તળાવ બાદનું સૌથી મોટું ડિમોલિશન ઓપરેશન ઇસનપુરના રામવાડી તળાવ ખાતે શરૂ કરવામાં આવ્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા વોટર બોડી પરના ગેરકાયદેસર દબાણો દૂર કરવાની આ મેગા કામગીરીમાં હજારો રહેવાસીઓને અસર થઈ છે.


ઇસનપુરમાં મેગા ડિમોલિશન

AMCના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર રિદ્ધેશ રાવલે આ અંગે નિવેદન આપતાં જણાવ્યું કે, ઇસનપુર તળાવ અમદાવાદનું ત્રીજા નંબરનું સૌથી મોટું તળાવ છે. કોર્ટના આદેશ મુજબ આ વોટર બોડી પરના દબાણો દૂર કરવા ફરજિયાત છે.

 અમદાવાદનું સૌથી મોટું ડિમોલિશન

ડિમોલિશન કામગીરીની મુખ્ય વિગતોમાં અગાઉ, તળાવના વિસ્તારમાં આવેલા 167 કોમર્શિયલ બાંધકામો તોડી પાડવામાં આવ્યા હતા. હાલમાં 925 રહેણાંક બાંધકામો દૂર કરવાની કામગીરી ચાલી રહી છે. આ સિવાય ગેરકાયદેસર કોમર્શિયલ પ્રોપર્ટી અને ધાર્મિક દબાણો પણ દૂર કરવામાં આવશે. રહેણાંક મકાનોને ચોમાસા પહેલાં જ નોટિસ પાઠવવામાં આવી હતી. દિવાળીના તહેવારને કારણે ડિમોલિશન મોડું કરવામાં આવ્યું હતું. આ મેગા ડિમોલિશન માટે AMCએ અલગ અલગ 8 ટીમો બનાવી છે. હાલમાં કામગીરી 4 ભાગમાં ચાલુ છે. દબાણ હટાવવા માટે 4 હિટાચી, 4 જેસીબી, 15થી વધુ ડમ્પર સહિતની મશીનરી કામે લગાડાઈ છે. સુરક્ષા માટે 500 પોલીસ જવાનો અને 500 AMC સ્ટાફને તૈનાત કરવામાં આવ્યા છે.

હાલ 4 ભાગમાં ડિમોલેશનની કામગીરી ચાલુ

આ ડિમોલિશન હાઇકોર્ટના હુકમ મુજબ થઈ રહ્યું છે, કારણ કે આ વિસ્તાર વોટર બોડી છે. દસ જેટલા રહીશો હાઇકોર્ટમાં ગયા હતા, તેમને પણ કોર્ટે સમય આપીને ડિમોલિશન માટે હુકમ કર્યો હતો. એસ્ટેટ કમિટીના ચેરમેન પ્રિતેશ મહેતા સાથે સંકલન સાધીને કામગીરી કરવામાં આવી રહી છે.



આ પણ વાંચો: રીબડા અમિત ખૂંટ આત્મહત્યા કેસ, રાજદિપસિંહ સહિત બે આરોપીને કોર્ટમાં રજૂ કરાયા, 6 ડિસેમ્બરે વધુ સુનાવણી

  • Follow us on: