ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલી કાતિલ ઠંડીના જોર બાદ હવે નાગરિકોને રાહત મળવાના સંકેત મળી રહ્યા છે. રાજ્ય હવામાન વિભાગના અનુમાન અનુસાર, આગામી 24 કલાક બાદ રાજ્યમાં ઠંડીનું જોર ઘટશે અને લઘુતમ તાપમાનમાં 1 થી 3 ડિગ્રીનો વધારો નોંધાશે. પવનોની દિશામાં થતા ફેરફારને કારણે ઠંડીમાં ઘટાડો થશે, જેના પરિણામે અમદાવાદ અને ગાંધીનગર જેવા શહેરોમાં તાપમાન 14 થી 16 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે. આ ઉપરાંત બપોરના સમયે મહત્તમ તાપમાનમાં પણ 2 થી 3 ડિગ્રીનો વધારો થતા લોકોને ઠંડીથી આંશિક રાહત મળશે.

બપોરે વર્તાશે ગરમી

નોંધનીય છે કે, ગઈકાલે રાજ્યના અનેક શહેરોમાં તાપમાનનો પારો ગગડ્યો હતો, જેમાં નલિયા 6.4 ડિગ્રી સાથે સૌથી ઠંડુ શહેર રહ્યું હતું. અન્ય શહેરોમાં પણ કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું હતું, જેમાં અમરેલીમાં 8.4 ડિગ્રી, રાજકોટમાં 10 ડિગ્રી અને ગાંધીનગરમાં 10.5 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. અમદાવાદમાં પણ પારો 12.1 ડિગ્રી સુધી નીચે ઉતરી ગયો હતો. જોકે, હવે બદલાતા હવામાનને પગલે વહેલી સવારે અને રાત્રે ઠંડીનું પ્રમાણ ઘટશે અને દિવસ દરમિયાન વાતાવરણ સામાન્ય રહેશે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.