ગીર સોમનાથના પવિત્ર યાત્રાધામમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમનને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાનના પ્રવાસને 'ઐતિહાસિક સ્વાભિમાન પર્વ' તરીકે ઉજવવાની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. નિર્ધારિત કાર્યક્રમ મુજબ, વડાપ્રધાન મોદી સૌપ્રથમ ભવ્ય રોડ શો યોજશે અને ત્યારબાદ એક વિશાળ જાહેરસભાને સંબોધન કરશે. આ કાર્યક્રમ માટે 'અખંડ ભારત, અખંડ સોમનાથ'નું પ્રેરણાદાયી સૂત્ર આપવામાં આવ્યું છે, જે સોમનાથના ગૌરવશાળી ઇતિહાસ અને રાષ્ટ્રીય એકતાનું પ્રતીક છે.

ભક્તિ અને શક્તિનો સંગમ

વડાપ્રધાનની આ સભામાં 1 લાખથી વધુની જનમેદની ઉમટી પડવાની શક્યતા છે, જેને ધ્યાનમાં રાખીને સભાસ્થળે 3 વિશાળ ડોમ બનાવવામાં આવ્યા છે. સભામાં છેલ્લી હરોળમાં બેઠેલા લોકો પણ વડાપ્રધાનને નિહાળી શકે તે માટે 22 થી વધુ મોટી LCD સ્ક્રીન લગાવવામાં આવી છે. સુરક્ષાની દ્રષ્ટિએ સોમનાથમાં પોલીસ દ્વારા અભેદ્ય કિલ્લેબંધી કરવામાં આવી છે અને ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. વહીવટી તંત્ર દ્વારા પીવાના પાણી, પાર્કિંગ અને ટ્રાફિક મેનેજમેન્ટની તમામ વ્યવસ્થાઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે.