જૂનાગઢમાં ગ્રાન્ટેડ શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા સુરેશભાઈ મોણપરાએ શિક્ષણ જગતમાં સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. અમિતાભ બચ્ચનના લોકપ્રિય શો 'KBC' ના કર્મવીર એપિસોડમાંથી પ્રેરણા મેળવીને તેમણે શહેરની વિવિધ ઝુંપડપટ્ટીમાં રહેતા અને આર્થિક રીતે અત્યંત પછાત બાળકોને ભણાવવાનું બીડું ઝડપ્યું છે. જે બાળકો પાસે બે ટંકના ભોજનના ઠેકાણા નથી અને જેમના માતા-પિતા ટ્યુશનની ફી ભરી શકે તેમ નથી, તેવા બાળકોને સુરેશભાઈ દરરોજ ખુલ્લા આકાશ નીચે વૃક્ષ પર બોર્ડ લગાવીને અભ્યાસ કરાવે છે. શરૂઆતના તબક્કે ખલીલપુરની ઝુંપડપટ્ટીથી માત્ર 25 બાળકો સાથે શરૂ થયેલો આ સેવાયજ્ઞ આજે અનેક વિસ્તારોમાં વ્યાપ્યો છે, જ્યાં તેઓ બાળકોને શાળામાં ન સમજાતા વિષયો સરળતાથી શીખવે છે.
વૃક્ષ નીચે વિદ્યાદાન
સુરેશભાઈની આ નિઃસ્વાર્થ ભાવના જોઈને સમાજના અનેક દાતાઓ પણ તેમની મદદે આગળ આવ્યા છે, જેના કારણે હવે ગરીબ બાળકોને પુસ્તકો અને દરરોજ પૌષ્ટિક નાસ્તો પણ મળી રહે છે. સુરેશભાઈએ હવે 3 થી 4 અલગ-અલગ જગ્યાએ આવા ક્લાસીસ શરૂ કર્યા છે અને વધુ બાળકોને ન્યાય મળી શકે તે માટે પગારદાર શિક્ષકોની પણ વ્યવસ્થા કરી છે. મોંઘી ફી અને પ્રાઈવેટ ટ્યુશનના ખર્ચથી પરેશાન વાલીઓ માટે સુરેશભાઈ એક દેવદૂત સાબિત થયા છે. એક શિક્ષક જો ધારે તો જ્ઞાનરૂપી પ્રકાશ દ્વારા કેવી રીતે સમાજમાં પરિવર્તન લાવી શકે છે, તેનું જીવંત ઉદાહરણ જૂનાગઢની આ ફૂટપાથ પાઠશાળામાં જોવા મળે છે.













