જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના મોટા કોટડા ગામે એક અત્યંત કરૂણ અને વિચિત્ર અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં માત્ર એક નાનકડી મધમાખીએ એક હસતા-રમતા પરિવારનો માળો વિંખી નાખ્યો છે. ચાલુ મોટરસાયકલે શર્ટમાં મધમાખી ઘૂસી જતાં સર્જાયેલા અકસ્માતમાં ગંભીર ઈજાઓ થવાથી યુવાન પતિનું મોત નીપજ્યું છે, જ્યારે તેની પત્ની ઈજાગ્રસ્ત થઈ છે.


શું હતી સમગ્ર ઘટના?

ઘટનાની મળતી માહિતી અનુસાર, વિસાવદરના મોટા કોટડા ગામનો એક યુવાન પોતાની પત્ની સાથે મોટરસાયકલ પર જઈ રહ્યો હતો. આ દરમિયાન અચાનક એક મધમાખી યુવાનના શર્ટની અંદર ઘૂસી ગઈ હતી. ચાલુ બાઈકે મધમાખી કરડવા લાગતા અથવા તેના ગણગણાટથી ગભરાયેલા યુવાને મધમાખીને ખંખેરવાનો પ્રયાસ કર્યો હતો. મધમાખીને દૂર કરવાના પ્રયત્નમાં યુવાને સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો અને અચાનક બ્રેક વાગી જતાં દંપતી રોડ પર જોરદાર પટકાયું હતું.

સારવાર દરમિયાન તોડ્યો દમ

આ અકસ્માત એટલો ભયાનક હતો કે યુવાનને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માત બાદ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને લોહીલુહાણ હાલતમાં દંપતીને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યું હતું. જોકે, હોસ્પિટલમાં સારવાર દરમિયાન યુવાનની સ્થિતિ વધુ બગડી હતી અને અંતે તેણે દમ તોડ્યો હતો. જ્યારે તેની પત્ની હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. માત્ર એક મધમાખીને કારણે સર્જાયેલા આ અકસ્માતે સમગ્ર વિસાવદર પંથકમાં અરેરાટી ફેલાવી દીધી છે. વિસાવદર પોલીસ આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


આ પણ વાંચો - Visavadar: સિંહણને બેભાન કરવા જતાં વન વિભાગનો ટ્રેકર પોતે બેભાન, ટ્રેન્ક્યુલાઈઝર ગનનો ડોઝ કર્મચારીને વાગ્યો


  • Follow us on: