અમદાવાદ શહેરના ભીડભાડવાળા વિસ્તારો અને એસ.ટી. બસ સ્ટેન્ડ પરથી મુસાફરોના મોબાઈલની ચોરી કરતી આંતરરાજ્ય ગેંગના બે સાગરીતોને ઝોન-૩ એલસીબી (LCB) ની ટીમે ઝડપી પાડ્યા છે. પકડાયેલા બંને આરોપીઓ મૂળ ઝારખંડના વતની હોવાનું ખુલ્યું છે, જેઓ ખાસ મોબાઈલ ચોરી કરવા માટે અમદાવાદ આવતા હતા.

મોબાઈલની ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ

આ ગેંગ ખાસ કરીને ગીતા મંદિર બસ સ્ટેન્ડ અને નરોડા બસ સ્ટેન્ડ જેવા ભરચક વિસ્તારોને નિશાન બનાવતી હતી. બસમાં ચઢતી વખતે કે ઉતરતી વખતે મુસાફરોની નજર ચૂકવીને ખિસ્સામાંથી અથવા બેગમાંથી મોબાઈલ ચોરી લેવામાં તેઓ માહિર હતા. તેમની ધરપકડથી નરોડા અને કાગડાપીઠ પોલીસ મથકમાં નોંધાયેલા મોબાઈલ ચોરીના કુલ 7 ગુનાઓનો ભેદ ઉકેલાયો છે.

7 ગુનાના ભેદ ઉકેલાયા

એલસીબીની ટીમે બાતમીના આધારે વોચ ગોઠવીને બંને શખ્સોને આંતર્યા હતા. તેમની તલાશી લેતા તેમની પાસેથી અલગ-અલગ કંપનીના કુલ 9 મોબાઈલ ફોન મળી આવ્યા હતા, જેની કિંમત અંદાજે રૂપિયા 2.64 લાખ જેટલી થાય છે. પોલીસે તમામ મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે આરોપીઓ ઝારખંડથી આવી અહીં ચોરી કરતા અને ચોરીના મોબાઈલ અન્ય રાજ્યોમાં વેચી દેતા હતા. પોલીસ હવે એ તપાસ કરી રહી છે કે તેમની સાથે અન્ય કેટલા શખ્સો સંકળાયેલા છે અને અત્યાર સુધીમાં તેમણે કેટલા મોબાઈલની ચોરી કરી છે.

આ પણ વાંચો: Surat: અઠવા વિસ્તારમાં કરિયાણાના વેપારીની કાળી કરતૂત, પત્નીના બેંક ખાતામાંથી બારોબાર નાણાં ઉપાડી લીધા