કહેવાય છે કે પતિ-પત્નીનો સંબંધ વિશ્વાસ પર ટકેલો હોય છે, પરંતુ સુરતના અઠવા વિસ્તારમાં એક પતિએ આ પવિત્ર સંબંધને લજવ્યો છે. પોતાની જ પત્નીની જાણ બહાર તેના બેંક ખાતામાંથી લાખો રૂપિયાની ઉચાપત કરનાર કરિયાણાના વેપારીની અઠવા પોલીસે ધરપકડ કરી છે.
સુરતમાં પત્નીની બચત પર પતિનો હાથફેરો
અઠવા વિસ્તારમાં રહેતા અને કરિયાણાનો વેપાર કરતા એક શખ્સે પોતાની પત્નીની વર્ષોની મહેનતની બચત પર નજર બગાડી હતી. પત્નીએ પોતાના ભવિષ્ય માટે બેંકમાં જે નાણાં બચાવ્યા હતા, તેની જાણ પતિને હતી. લાલચમાં આવીને પતિએ પત્નીની ખોટી સહીઓ કરવાનું શરૂ કર્યું હતું.
17.46 લાખની છેતરપિંડી
આરોપી પતિએ પત્નીના બેંક દસ્તાવેજો અને ચેકબુકનો દુરુપયોગ કરી, તેની નકલી સહીઓ બનાવીને સમયાંતરે કુલ રૂપિયા 17.46 લાખ જેટલી માતબર રકમ પોતાના ખાતામાં ટ્રાન્સફર કરી લીધી હતી અથવા ઉપાડી લીધી હતી. પત્નીને જ્યારે પોતાની વર્ષોની બચત ગાયબ હોવાની જાણ થઈ, ત્યારે તેના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. પોતાના જ પતિ દ્વારા થયેલા આ વિશ્વાસઘાત મામલે પત્નીએ હિંમત દાખવી અઠવા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આર્થિક છેતરપિંડી અને દસ્તાવેજોમાં ચેડાં કરવા બદલ ગુનો નોંધી, તપાસના અંતે આરોપી પતિની ધરપકડ કરી છે.
આ પણ વાંચો: Gandhinagar: ગુજરાત વિધાનસભા ડેપ્યુટી સ્પીકરના પદ માટે પૂર્ણેશ મોદીએ ફોર્મ ભર્યું