અમદાવાદ જિલ્લાના દેત્રોજ તાલુકાના રાજપુરા ગામમાં એક ધાર્મિક પ્રસંગ બાદ મોટી દુર્ઘટના સામે આવી છે. ગામમાં આયોજિત ધાર્મિક કાર્યક્રમમાં ભોજન લીધા બાદ 50થી વધુ ગ્રામજનોને ફૂડ પોઈઝનિંગની અસર થઈ છે. પ્રસાદમાં સેવ-ખમણી ખાધા બાદ લોકોને ઉલટી અને ઉબકાની ફરિયાદ થતા સમગ્ર પંથકમાં દોડધામ મચી ગઈ હતી.

50થી વધુ ગ્રામજનોને ફૂડ પોઈઝનિંગની અસર

રાજપુરા ગામે એક ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનોએ પ્રસાદી રૂપે ભોજન લીધું હતું. ભોજનમાં સેવ-ખમણી પીરસવામાં આવી હતી. જમ્યાના થોડા જ સમય બાદ એકપછી એક લોકોને ઉલટી, ઉબકા અને પેટમાં દુખાવાની ફરિયાદો શરૂ થઈ હતી. જોતજોતામાં અસરગ્રસ્તોનો આંકડો 50ને પાર કરી ગયો હતો.

હોસ્પિટલમાં દર્દીઓની ભીડ

તબિયત લથડતા જ અસરગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે ખસેડવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.વધુ અસરગ્રસ્ત દર્દીઓને કડીની ભાગ્યોદય હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.કેટલાક ગ્રામજનોને નજીકની ખાનગી હોસ્પિટલોમાં પણ સારવાર અર્થે લઈ જવામાં આવ્યા છે.પ્રાથમિક વિગતો મુજબ, હાલ તમામની હાલત સ્થિર છે, પરંતુ તકેદારીના ભાગરૂપે ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવ્યા છે.

આરોગ્ય તંત્ર એક્શનમાં

ફૂડ પોઈઝનિંગની આટલી મોટી ઘટના સામે આવતા જ દેત્રોજ આરોગ્ય તંત્ર અને વહીવટી તંત્ર તાત્કાલિક દોડતું થયું હતું. આરોગ્ય વિભાગની ટીમ રાજપુરા ગામ પહોંચી છે અને ભોજનના સેમ્પલ લેવાની તજવીજ હાથ ધરી છે. આ સેવ-ખમણીમાં વપરાયેલી સામગ્રી કે પાણીમાં ખામી હતી તે જાણવા માટે લેબોરેટરી ટેસ્ટ કરવામાં આવશે.

આ પણ વાંચો: Veraval: ડાભોર ગામે જૂની અદાવતમાં બે જૂથ વચ્ચે લોહીયાળ જંગ, મહિલા સહિત 5 ઇજાગ્રસ્ત