ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના ડાભોર ગામે ગત રાત્રિએ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. ડાભોર ગામે જૂની અદાવતને લઈને બે જૂથો સામસામે આવી જતાં ભારે પથ્થરમારો અને મારામારીની ઘટના બની હતી. આ હિંસક અથડામણમાં એક મહિલા સહિત કુલ 5 વ્યક્તિઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે.
ડાકોરમાં બે જૂથ્થો વચ્ચે માથાકૂટ
મળતી માહિતી મુજબ, ડાભોર ગામમાં રહેતા બે પક્ષો વચ્ચે છેલ્લા ઘણા સમયથી જૂનું મનદુઃખ ચાલી રહ્યું હતું. ગત રાત્રિના સમયે આ બાબતે ફરીથી બોલાચાલી થઈ હતી, જે જોતજોતામાં ઉગ્ર સ્વરૂપ ધારણ કરી ગઈ હતી. બંને જૂથના લોકો લાકડીઓ અને છૂટા હાથની મારામારી પર ઉતરી આવ્યા હતા.
ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા
આ મારામારીમાં ઈજાગ્રસ્ત થયેલા પાંચેય વ્યક્તિઓને તાત્કાલિક સારવાર અર્થે વેરાવળની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઇજાગ્રસ્તોમાં એક મહિલાનો પણ સમાવેશ થાય છે. હાલ હોસ્પિટલ ખાતે ઇજાગ્રસ્તોની સારવાર ચાલી રહી છે અને તેમની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.
પોલીસનો કાફલો ઘટનાસ્થળે
ઘટનાની જાણ થતા જ પ્રભાસ પાટણ પોલીસનો કાફલો તાત્કાલિક ડાભોર ગામે દોડી ગયો હતો. પોલીસે ગામમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દઈને પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. હાલ પોલીસે બંને પક્ષોની ફરિયાદ લેવાની તજવીજ હાથ ધરી છે અને વધુ તપાસ શરૂ કરી છે. આ ઘટનાને પગલે ગામમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ જોવા મળી રહી છે.
આ પણ વાંચો: Ahmedabad : શાહ આલમ ટોલ નાકા પાસે AMTS અને એક્ટિવા વચ્ચે અકસ્માત, CCTV આવ્યા સામે