અમદાવાદના શાહ આલમ ટોલ નાકા નજીક એક અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં AMTS બસ અને એક્ટિવા સવાર વચ્ચે ટક્કર થઈ. મળતી માહિતી મુજબ બે યુવતીઓ એક્ટિવા પર રોંગ સાઈડમાં જઈ રહી હતી, જેના કારણે આ અકસ્માત સર્જાયો હતો. આ સમગ્ર ઘટના નજીકના CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે, જે હવે સામે આવી છે.

રોંગ સાઈડમાં યુવતીઓ જતા સર્જાયો અકસ્માત

વીડિયોમાં સ્પષ્ટ જોવા મળે છે કે એક્ટિવા સવાર યુવતીઓ નિયમોનો ભંગ કરીને ખોટી દિશામાં આવી રહી હતી અને સામે આવી રહેલી AMTS બસ સાથે અથડાઈ હતી. અકસ્મતમાં સદનસીબે કોઈ જાનહાનિ નોંધાઈ નથી, પરંતુ યુવતીઓને સામાન્ય ઈજાઓ પહોંચી હોવાની માહિતી મળી રહી છે. ઘટના બાદ સ્થાનિક લોકો તરત જ મદદ માટે આગળ આવ્યા અને ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા.

ટ્રાફિક પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી

આ બનાવને પગલે ટ્રાફિક પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને તપાસ શરૂ કરી છે. અધિકારીઓએ જણાવ્યું છે કે રોંગ સાઈડમાં વાહન ચલાવવું અત્યંત જોખમી છે અને આવા કિસ્સાઓમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. આ અકસ્માત ફરી એકવાર ટ્રાફિક નિયમોનું પાલન કરવાની જરૂરિયાત તરફ ઈશારો કરે છે. ખાસ કરીને શહેરમાં વધતા ટ્રાફિક વચ્ચે નાગરિકોએ સાવચેતી રાખવી જરૂરી બની છે, જેથી આવી દુર્ઘટનાઓથી બચી શકાય.

આ પણ વાંચો : Amreli : સાવરકુંડલામાં ગીરની શાન સમાન વધુ એક સિંહણનું કુવામાં ખાબકતા મોત, વનવિભાગમાં મચી દોડધામ