એશિયાટિક સિંહોના ગઢ ગણાતા ગીર પૂર્વ ડિવિઝનમાં સિંહોની સુરક્ષા સામે ફરી એકવાર ગંભીર સવાલો ઉભા થયા છે. સાવરકુંડલા રેન્જના બાઢડા ગામ નજીક એક સિંહણ ખુલ્લા કુવામાં ખાબકતા તેનું કરુણ મોત નીપજ્યું છે. આ ઘટનાને પગલે વનવિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને કુવામાંથી સિંહણનો મૃતદેહ બહાર કાઢી પીએમ અર્થે ખસેડ્યો છે.

24 કલાકમાં બીજી દુર્ઘટના

સૌથી વધુ ચિંતાજનક બાબત એ છે કે, સાવરકુંડલા પંથકમાં છેલ્લા 24 કલાકમાં સિંહના મોતની આ બીજી ઘટના છે. અગાઉ સાવરકુંડલા રેવન્યુ વિસ્તારમાં એક સિંહબાળનું બીમારીના કારણે મોત થયું હતું, જેની શાહી હજુ સુકાઈ નથી ત્યાં જ બાઢડા ગામની સીમમાં સિંહણે જીવ ગુમાવ્યો છે. ગીરના રાજા ગણાતા આ વન્યજીવોના ટપોટપ મોત થતા ગીર પ્રેમીઓમાં રોષ અને શોકની લાગણી જોવા મળી રહી છે.

સુરક્ષા સામે સવાલો

વારંવાર બનતી આવી ઘટનાઓને પગલે સિંહોની સુરક્ષાને લઈને વનવિભાગની કામગીરી પર સવાલો ઉઠી રહ્યા છે. રેવન્યુ વિસ્તારોમાં આવેલા ખુલ્લા કુવાઓ સિંહો માટે 'ડેથ ટ્રેપ' સાબિત થઈ રહ્યા છે. ગીર પૂર્વ ડિવિઝનના ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા છે અને તપાસ હાથ ધરી છે કે આ સિંહણ કયા સંજોગોમાં કુવામાં પડી. સતત બનતી ઘટનાઓને પગલે વનવિભાગ દ્વારા ખુલ્લા કુવાઓ પર વહેલી તકે પેરાફેટ વોલ બનાવવાના આદેશો અપાય તેવી લોકમાંગ ઉઠી છે.


આ પણ વાંચો----     Gandhinagar : ચૂંટણીનો જંગ હવે સિમ્બોલના સહારે, ચૂંટણી પંચે પક્ષો અને અપક્ષો માટેના પ્રતીકોનું લિસ્ટ કર્યું જાહેર