ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ચૂક્યું છે. આ વખતે ચૂંટણી મેદાનમાં માત્ર દિગ્ગજ નેતાઓ જ નહીં, પરંતુ રુચિકર ચૂંટણી ચિન્હો વચ્ચે પણ ખરાખરીનો જંગ ખેલાશે. રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા માન્ય રાજકીય પક્ષો, અમાન્ય પક્ષો અને અપક્ષ ઉમેદવારો માટે પ્રતીકોનું વિગતવાર લિસ્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે.
માન્ય પક્ષોના હથિયાર તૈયાર
આગામી ચૂંટણીમાં કુલ 14 માન્ય પક્ષો મેદાનમાં છે. ભાજપનું 'કમળ', કોંગ્રેસનો 'હાથ' અને આપનું 'ઝાડુ' તો જાણીતા જ છે, પરંતુ આ વખતે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પક્ષ (શરદ પવાર) 'ભૂંગળ વગાડતા માણસ' ના ચિન્હ સાથે અને ભારત આદિવાસી પાર્ટી 'હોકી-દડો' લઈને મતદારો સુધી પહોંચશે. આ ઉપરાંત BSP પાસે 'હાથી' અને સમાજવાદી પાર્ટી પાસે 'સાયકલ' જેવા મજબૂત ચિન્હો છે.
અમાન્ય પક્ષો અને આધુનિક પ્રતીકો
ચૂંટણી આયોગે 55 અમાન્ય પક્ષો ની યાદી પણ જાહેર કરી છે. જેમાં 'ગેસ સિલિન્ડર', 'ઓટોરીક્ષા', 'કોમ્પ્યુટર', 'લેપટોપ' અને 'સીસીટીવી કેમેરા' જેવા આધુનિક પ્રતીકોની ફાળવણી કરવામાં આવી છે. 'આમ ભારત પાર્ટી' કીટલી અને 'બહુજન મુક્તિ પાર્ટી' ખાટલાના ચિન્હ સાથે પ્રચાર કરશે. નોંધનીય છે કે મહાગુજરાત જનતા પાર્ટી અને યુવા જાગૃતિ દળ ને ડી-લિસ્ટ કરવામાં આવ્યા છે.
અપક્ષો માટે 144 મુક્ત પ્રતીકોનો ખજાનો
જે ઉમેદવારો કોઈ પણ પક્ષ સાથે જોડાયેલા નથી, તેમના માટે આયોગે 144 મુક્ત પ્રતીકો રાખ્યા છે. આ લિસ્ટમાં 'એરકન્ડિશનર', 'રોબોટ', 'પેન ડ્રાઈવ', 'હેડફોન' થી લઈને ગ્રામીણ જીવન સાથે જોડાયેલા 'વેલણ-પાટલી', 'કૂવો', 'હાથ રેહડી' અને 'માચીસ' જેવા પ્રતીકોનો સમાવેશ થાય છે.
ગ્રામીણ મતદારો માટે ઉમેદવારની સાચી ઓળખ
ચૂંટણી પ્રતીક એ માત્ર ચિન્હ નથી, પણ અભણ અને ગ્રામીણ મતદારો માટે ઉમેદવારની સાચી ઓળખ છે. હવે જોવાનું એ રહેશે કે ઉમેદવારો પોતાના ચિન્હને કેટલી અસરકારક રીતે મતદારોના મન સુધી પહોંચાડે છે.
આ પણ વાંચો---- Bhavnagar : અશાંતધારામાં ભ્રષ્ટાચાર મામલે 15 દિવસે ફરિયાદ, મદદનીશ કલેક્ટરે જ પોતાના ડ્રાઈવર સામે ફરિયાદ નોંધાવી