અમદાવાદના ફતેવાડી વિસ્તારમાંથી વેજલપુર પોલીસે ડ્રગ્સની હેરાફેરી કરતા માતા અને પુત્રની ધરપકડ કરી છે. આરોપીઓ પાસેથી લાખો રૂપિયાની કિંમતનું મેફેડ્રોન ડ્રગ્સ મળી આવ્યું છે. પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે આરોપીઓનો આખો પરિવાર વર્ષોથી માદક પદાર્થોના ગેરકાયદેસર વેપાર સાથે જોડાયેલો છે.
ડ્રગ્સ નેટવર્કનો પર્દાફાશ
વેજલપુર પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મળેલી ચોક્કસ બાતમીના આધારે ફતેવાડી વિસ્તારમાં દરોડો પાડવામાં આવ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન પોલીસે સમીમ બાનુ ઉર્ફે પપ્પી પઠાણ અને તેના પુત્ર મોમીનખાન પઠાણને ઝડપી લીધા હતા. તેમની તલાશી લેતા તેમની પાસેથી 250 ગ્રામ મેફેડ્રોન (MD) ડ્રગ્સ મળી આવ્યું હતું, જેની બજાર કિંમત આશરે 7.40 લાખ રૂપિયા આંકવામાં આવી છે.
મોરબી ડિલિવરી માટે મળતું હતું કમિશન
પકડાયેલા આરોપીઓની પૂછપરછમાં ડ્રગ્સ નેટવર્કની કાર્યપદ્ધતિનો પર્દાફાશ થયો છે. જુહાપુરાની સીરીન અલારખા નામની મહિલાએ આ જથ્થો મોરબી પહોંચાડવા માટે આપ્યો હતો. એકવાર ડિલિવરી કરવાના બદલામાં આ માતા-પુત્રને 10,000 રૂપિયા મળતા હતા. આરોપીઓ અગાઉ પણ બે વખત અમદાવાદથી મોરબીમાં 500 ગ્રામ ડ્રગ્સની સફળતાપૂર્વક ડિલિવરી કરી ચૂક્યા છે. જોકે, મોરબીમાં આ જથ્થો કોણ મેળવતું હતું તેની તપાસ હજુ ચાલુ છે.
ગુનાહિત ઇતિહાસ ધરાવતો પરિવાર
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે સમીમ બાનુનો પરિવાર ગુનાખોરીમાં ગળાડૂબ છે. અગાઉ દારૂના ગુનામાં પકડાઈ ચુકી છે અને અમદાવાદ શહેર SOGના એક કેસમાં બે વર્ષથી વોન્ટેડ હતી. સમીમનો પતિ ફિરોજ વર્ષ 2017માં ડ્રગ્સના મોટા જથ્થા સાથે ઝડપાયો હતો અને છેલ્લા આઠ વર્ષથી ભરૂચ જેલમાં સજા કાપી રહ્યો છે. હાલ પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી છે.
આ પણ વાંચો: મહુધામાં પાકિસ્તાની હોવાની શંકાએ ત્રણની અટકાયત, તપાસમાં ‘ફ્રી ફાયર’ ગેમ અને કાશ્મીરી પ્રેમકથાનો ખુલાસો