ખેડા જિલ્લાના મહુધામાં પાકિસ્તાની નાગરિકો આવ્યા હોવાની આશંકાએ પોલીસ દોડતી થઈ હતી. જોકે, પોલીસે જ્યારે બે યુવકો અને એક યુવતીની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી ત્યારે એક ચોંકાવનારી પ્રેમકથા અને ઓનલાઈન ગેમિંગના સંપર્કનો ખુલાસો થયો હતો. પકડાયેલા ત્રણેય શખ્સો જમ્મુ-કાશ્મીરના હોવાનું બહાર આવ્યું છે.


મહુધામાં બે યુવકો અને એક મહિલાની અટકાયત

મહુધાના તળપદા વાસમાં પાકિસ્તાની જેવા લાગતા ત્રણ અજાણ્યા લોકો એક બાળક સાથે આવ્યા હોવાની બાતમી પોલીસને મળી હતી. બાતમીના આધારે પોલીસે તાત્કાલિક દરોડો પાડી બે યુવકો અને એક મહિલાની અટકાયત કરી હતી. પૂછપરછમાં જાણવા મળ્યું કે આ ત્રણેય જમ્મુ-કાશ્મીરના રાજૌરી જિલ્લાના વતની છે. જેમાં એક બાળકની માતા (પરિણિતા), તેનો પ્રેમી અને પ્રેમીનો સગો ભાઈ સામેલ હતા.

ગેમિંગ એપ દ્વારા ગુજરાત સાથે સંપર્ક

આ કાશ્મીરી જૂથ ગુજરાત સુધી કેવી રીતે પહોંચ્યું તેની વિગતો વધુ રસપ્રદ છે.પ્રેમી યુવકના ભાઈનો સંપર્ક મહુધાના રાહુલ તળપદા નામના યુવક સાથે 'ફ્રી ફાયર' (Free Fire) ગેમિંગ એપ દ્વારા થયો હતો. છેલ્લા ત્રણ વર્ષથી તેઓ ગેમ દ્વારા એકબીજાના સંપર્કમાં હતા, જેના આધારે તેઓ આશરો મેળવવા મહુધા આવી પહોંચ્યા હતા.  કાશ્મીરની આ પરિણિતાને યુવક સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો અને તે પોતાના બાળક સાથે પ્રેમી અને તેના ભાઈ સંગાથે લગ્ન કરવાના ઈરાદે કાશ્મીરથી ભાગીને ગુજરાત આવી હતી.

જમ્મુ-કાશ્મીર પોલીસ સાથે સંપર્ક 

જમ્મુ-કાશ્મીર પોલીસ સાથે સંપર્ક કરતા જાણવા મળ્યું હતું કે, ત્યાં આ પરિણિતા ગુમ થઈ હોવાની ફરિયાદ અગાઉથી જ નોંધાયેલી છે. મહુધા પોલીસે તમામની અટકાયત કરી સુરક્ષિત રાખ્યા છે. મહુધા પોલીસે કાશ્મીર પોલીસને જાણ કરી છે, જે હવે ગુજરાત આવી આ તમામને પરત કાશ્મીર લઈ જશે.

આ પણ વાંચો: ખાનગી કોલેજની વિદ્યાર્થિનીનો આપઘાત, ક્લાસ રૂમમાં ગળે ફાંસો ખાધો


  • Follow us on: