અમદાવાદની નેશનલ સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી પર થયેલા હુમલા બાદ વિદ્યાર્થીઓની સલામતી સામે ગંભીર પ્રશ્નો ઉભા થયા છે. આ બાબતે રોષે ભરાયેલા ABVPના કાર્યકર્તાઓએ આજે શાળા સંકુલમાં જોરદાર વિરોધ પ્રદર્શન કર્યું હતું અને શાળાના પ્રિન્સિપાલને આવેદનપત્ર પાઠવી તાત્કાલિક પગલાં લેવાની માંગ કરી છે.ૉ

વિદ્યાર્થીઓની સુરક્ષા માટે નેશનલ સ્કૂલમાં ABVPનો આક્રોશ

ABVPએ શાળામાં ભયમુક્ત વાતાવરણ બનાવવા માટે કેટલીક મહત્વની માંગો રજૂ કરી છે.શાળાના દરેક ખૂણે હાઈ-ક્વોલિટી CCTV કેમેરા લગાવવામાં આવે.અનિચ્છનીય તત્વોને રોકવા માટે શાળામાં બાઉન્સર્સ અને પ્રોફેશનલ સિક્યુરિટી તૈનાત કરવામાં આવે.વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્ય અને માર્ગદર્શન માટે સ્પેશિયલ કાઉન્સેલરની નિમણૂક કરવામાં આવે. આ ઉપરાંત, ABVPએ ગંભીર આરોપ લગાવ્યો છે કે આ શાળા 'ડમી' તરીકે કાર્યરત છે અને જો માંગણીઓ સંતોષવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે.

શાળા સંચાલકોનો પ્રતિસાદ

વિવાદ વધતા શાળાના મેનેજિંગ ટ્રસ્ટી રમેશ અમીને આ મામલે સ્પષ્ટતા કરી છે. તેમણે જણાવ્યું હતું કે શાળામાં વિદ્યાર્થીઓની સુરક્ષા માટે પ્રોફેશનલ સુરક્ષા એજન્સીની નિમણૂક કરવામાં આવશે. વધુમાં, શાળામાં શિસ્ત જળવાઈ રહે તે માટે એક શિસ્ત સમિતિની પણ રચના કરવામાં આવી છે. વિદ્યાર્થી સંગઠનોના આક્રમક વલણને જોતા હવે શાળા વહીવટી તંત્ર કેટલી ઝડપે આ સુધારા લાગુ કરે છે તેના પર સૌની નજર રહેશે.