અમદાવાદના જગતપુર અને ચેનપુર વિસ્તારમાં વિકાસની વાતો પોકળ સાબિત થઈ રહી છે. અહીં છેલ્લા 8 વર્ષ (2018 થી) રોડનું કામ અધૂરું હોવાને કારણે સ્થાનિક રહીશો નર્ક જેવી સ્થિતિમાં જીવવા મજબૂર બન્યા છે. તંત્રની ઘોર બેદરકારી સામે આજે સ્થાનિકોએ રસ્તા પર ઉતરી દાન પેટી સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું.
રોડનું કામ અધૂરું હોવાને કારણે હાલાકી
સ્થાનિકોનો આક્ષેપ છે કે વર્ષ 2018 થી આ રોડનું કામ ખોરંભે પડ્યું છે. હાલમાં સ્થિતિ એવી છે કે રસ્તા પરથી ડામર ગાયબ થઈ ગયો છે અને માત્ર મોટા ખાડા અને ધૂળની ડમરીઓ જોવા મળે છે. ઉડતી ધૂળને કારણે રહીશોમાં શ્વાસની બીમારીઓ અને આંખોના ઈન્ફેક્શનના કેસો વધી રહ્યા છે. ચોમાસામાં ખાડામાં પાણી ભરાતા વાહન ચલાવવું પણ જોખમી બની જાય છે.
સ્થાનિકોએ દાન પેટીઓ લઈને વિરોધ કર્યો
તંત્રને જગાડવા માટે સ્થાનિકોએ આજે હાથમાં દાન પેટીઓ લઈને રસ્તા પર ભીખ માંગી વિરોધ પ્રદર્શન કર્યું હતું. પ્રદર્શનકારીઓએ જણાવ્યું હતું કે, "અમે વારંવાર કોર્પોરેશનમાં રજૂઆતો કરી છે પણ કોઈ સાંભળતું નથી. હવે અમે આ દાનના પૈસા ભેગા કરીને જાતે જ રોડ બનાવીશું, કારણ કે તંત્ર તો કુંભકર્ણની નિંદ્રામાં પોઢી રહ્યું છે."
આરોગ્ય અને સલામતી પર જોખમ
બિસ્માર રોડને કારણે અવારનવાર અકસ્માતો સર્જાય છે. વૃદ્ધો અને બાળકો માટે આ રસ્તા પરથી પસાર થવું મુશ્કેલ બન્યું છે. સ્થાનિકોએ ચીમકી આપી છે કે જો ટૂંક સમયમાં આ રોડનું કામ પૂર્ણ કરવામાં નહીં આવે, તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે.
આ પણ વાંચો: Ahmedabad: અસારવામાં નાળિયેરના ભાવે લોહી રેડ્યું, સામસામે પથ્થરમારો અને તીક્ષ્ણ હથિયારોથી હુમલો