અમદાવાદ શહેર પીસીબી (પ્રીવેન્શન ઓફ ક્રાઈમ બ્રાન્ચ) ની ટીમે બાતમીના આધારે વૈષ્ણોદેવી બ્રિજ પાસે વોચ ગોઠવીને લક્ઝુરિયસ ગાડીમાં છુપાવીને લાવવામાં આવતો વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી લીધો છે. આ કેસમાં પોલીસે દારૂની હેરાફેરી કરતા બે સગા ભાઈઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


રાજસ્થાનથી આવતો હતો દારૂનો જથ્થો

ઘટનાની મળતી માહિતી અનુસાર, રાજસ્થાનના પાલીથી એક લક્ઝુરિયસ ગાડીમાં વિદેશી દારૂનો જથ્થો અમદાવાદ તરફ આવી રહ્યો હોવાની ચોક્કસ બાતમી PCB ને મળી હતી. આ બાતમીના આધારે ટીમે વૈષ્ણોદેવી બ્રિજ પાસે નાકાબંધી કરી શંકાસ્પદ ગાડીને આંતરી હતી. ગાડીની તલાશી લેતા તેમાંથી વિદેશી દારૂની કુલ 407 બોટલો મળી આવી હતી, જેની કિંમત અંદાજે રૂ. 3.26 લાખ થાય છે.

બાપુનગરના બે ભાઈઓ ઝપટે ચડ્યા

પોલીસે આ મામલે દારૂની હેરાફેરી કરતા દિલીપ ચૌહાણ અને સંજય ચૌહાણ નામના બે શખ્સોની ધરપકડ કરી છે. તપાસમાં બહાર આવ્યું છે કે, પકડાયેલા બંને આરોપીઓ સગા ભાઈઓ છે અને તેઓ શહેરના બાપુનગર વિસ્તારના રહેવાસી છે.

રૂ. 28.47 લાખનો મુદ્દામાલ કબજે

પીસીબીએ દારૂની બોટલો અને ઉપયોગમાં લેવાયેલી કિંમતી લક્ઝુરિયસ ગાડી સહિત કુલ રૂ. 28.47 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. હાલમાં પોલીસ એ દિશામાં તપાસ કરી રહી છે કે, રાજસ્થાનમાં દારૂ કોણે પૂરો પાડ્યો હતો અને અમદાવાદમાં આ જથ્થો કોને ડિલિવરી કરવાનો હતો.


આ પણ વાંચો - Ahmedabad News: પોલીસનું 'મિશન ફિટ ખાખી', શાહીબાગ કમિશનર ઓફિસમાં આધુનિક જિમ શરૂ


  • Follow us on: